Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ફિફા વર્લ્ડકપ માટે દોહાને હરિયાણુ બનાવવા નવસારીના અંભેટાની નર્સરીને મળ્યો કોન્ટ્રાકટ

દુબઈમાં બુર્જ ખલિફા,પાલ્મ જમૈરાહ અને અબુધાબીમાં આવેલ નુરાઈ ટાપુને હરિયાળો બનાવ્યો છે

નવી દિલ્હી : ફીફા વર્લ્ડકપ 2022 દોહામાં રમાનાર છે ત્યારે દોહાને હરિયાળુ બનાવવાનું શ્રેય ગુજરાતને માથે જશે. દોહામાં ગુજરાતના નવસારીના અંભેટાની નસર્રીમાંથી વૃક્ષો, છોડ, ઝાડ-પાન જશે. આ માટે નવસારીના અંભેટાના સમીર ફાર્મને કોન્ટ્રાક્ટ મળ્યો છે

નવસારી જિલ્લામાં આવેલા ગુજરાતનું આ નાનકડું ગામ 2022માં દોહામાં યોજાઈ રહેલા 22મા ફિફા વર્લ્ડકપમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહ્યું છે. દુનિયાના સૌથી વધુ જોવાતી રમત ફૂટબોલ માટે કતારના કેપિટલને ગ્રીન ઝોનમાં ફેરવાઈ રહ્યું છે. આ માટે અંભેટામાંથી પીપળો, વડ અને કરંજ જેવા વૃક્ષો લઈ જવામાં આવી રહ્યા છે.

 દોહાને ગ્રીન ઝોન બનાવવા માટે બિલિમોરા નજીક ગણદેવી રોડ પર આવેલા અંભેઠા ગામમાં આવેલા સમીર વાશીના ફાર્મ સમીર ફાર્મને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે, જ્યાંથી હજારો વૃક્ષો દોહામાં રોપવા માટે એક્સપોર્ટ કરવામાં આવશે. દોહામાં 134 સ્ક્વેર કિમી વિસ્તારને હરિયાળો બનાવવા માટે ભારતમાંથી વૃક્ષો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

 દોહામાં એક પ્રાઈવેટ કંપની દોહા ગ્રીન ઝોન પ્રોજેક્ટ માટે આ વૃક્ષો ઈમ્પોર્ટ કરી રહી છે. અંભેઠામાંથી સમીર ફાર્મ દ્વારા સપ્લાય કરેલા વૃક્ષો મહત્વપૂર્ણ યોગદાન આપશે. દોહાનું વાતાવરણ આપણી ઉષ્ણકટિબંધિય સ્થિતિની જેમ ગરમ અને ભેજવાળું છે ને આ વૃક્ષો ત્યાં સફળતાપૂર્વક રોપી શકાશે અને વિકસાવી શકાશે.

અંભેટામાંથી વૃક્ષો ઉપરાંત શાકભાજીના છોડ પણ લઈ જવાશે જેમાં ભીંડાના છોડની ખૂબ જ ડિમાન્ડ છે. રણને હરિયાળા વિસ્તારમાં ફેરવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને ભારતના કેટલાક છોડ ત્યાં પહોંચી પણ ગયા છે.

દોહાને 22મો ફીફા વર્લ્ડકપ હોસ્ટ કરવાનું છે. જેમાં 32 ટીમો દોહા આવશે અને 64 મેચો રમશે. વર્લ્ડકપની ફાઈનલ મેચ 18 ડિસેમ્બર 2022ના દિવસે રમાશે. એવામાં મોટી સંખ્યામાં વિદેશીઓ આવશે. એટલે જ વર્લ્ડકપ પહેલા હોટલો, નવા રોડ અને સ્ટેડિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ પહેલા સમિર ફાર્મમાંથી દુબઈમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલિફા, પાલ્મ જમૈરાહ અને અબુધાબીમાં આવેલ નુરાઈ ટાપુને હરિયાળો કરવા માટે વૃક્ષો અને છોડ સપ્લાય કરવામાં આવ્યા હતા.

(11:51 am IST)