Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ઓકુહારાને હરાવીને સાયના નેહવાલ મલેશિયા માસ્ટર્સની સેમિ ફાઈનલમાંપહોંચી

મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો પરાજય

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે લગ્ન બાદ ધમાકેદાર પુનરાગમન જારી રાખતાં મલેશિયા માસ્ટર્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાડા ત્રણ લાખ ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સાયનાએ જાપાનની ઓકુહારાને ૨૧-૧૮, ૨૩-૨૧થી પરાજીત કરી હતી. સાયનાએ સીધી ગેમ્સમાં જીત મેળવી હતી. જોકે મુકાબલો ભારે સંઘર્ષમય રહ્યો હતો. જ્યારે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો પરાજય થયો હતો.

સાતમો સીડ ધરાવતી સાયનાએ ઓકુહારા સામે ૧૩મી મેચ રમતમાં નવમો વિજય હાંસલ કર્યો હતો. સાયનાએ ૪૮ મિનિટના અત્યંત રોમાંચક મુકાબલામાં જીત મેળવતા અંતિમ ચારમા પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. જ્યાં તેની ટક્કર સ્પેનની કારોલીના મરીન સામે થશે. સાયના અહી ૨૦૧૭માં ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે ૨૦૧૧માં તે રનર્સઅપ રહી હતી.

સાયનાએ મરીનને પાંચ વખત હરાવી છે અને તેની સામે તે પાચ વખત હારી પણ છે. જેના કારણે આવતીકાલના મુકાબલાનો ઈંતેજાર વધુ રસપ્રદ બન્યો છે. જોકે મેન્સ સિંગલ્સમા ભારતના કિદામ્બી શ્રીકાંતને સાઉથ કોરિયાના ચોથો સીડ ધરાવતા સોન વાન હો સામે ૨૩-૨૧, ૧૬-૨૧, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો.

(11:01 pm IST)