Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ઉત્તરપ્રદેશ ઉપર તોતીંગ વિજય : રણજી ટ્રોફીના ઈતિહાસનો ઝડપી રન ચેઈઝ

૨૪મી જાન્યુઆરીથી કર્ણાટક સામે સેમી ફાઈનલમાં ચેમ્પિયનશીપ માટે ઉતરશે સૌરાષ્ટ્રની ટીમ

રાજકોટ, તા. ૧૯ : લખનૌના શ્રી અટલ બિહારી વાજપાઈ એકના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા રણજી ટ્રોફી મેચો દરમિયાન આજે સૌરાષ્ટ્રની ટીમે ઉત્તરપ્રદેશની ટીમ ઉપર ઝળહળતો તોતીંગ વિજય મેળવ્યો હતો. રણજી ટ્રોફી ઈતિહાસમાં વધુમાં વધુ ઝડપે રન ચેઈઝ કરી મેળવેલો આ વિજય સૌરાષ્ટ્રની ટીમ માટે શિરમોર સમો બની ગયો છે.

રણજી ટ્રોફી ૨૦૧૮-૧૯ના કવાર્ટર ફાઈનલના ૫ દિવસીય મેચમાં આજે આ રિઝલ્ટ આવ્યુ હતું. સૌરાષ્ટ્રે પોતાની બીજી ઈનિંગ ૨ વિકેટના ભોગે ૧૯૫ રનથી આગળ ધપાવી એ પહેલા હાર્વિક દેસાઈ અને કમલેશ મકવાણા ૮૩ અને ૪ રન ઉપર દાવમાં હતા. સૌરાષ્ટ્રે ૧૧૫.૧ ઓવરમાં ૩૭૨ રન ૪ વિકેટ ગુમાવી ખડકયા હતા. હાર્વિક દેસાઈએ ૨૫૯ બોલમાં ૧૬ ચોગ્ગા સાથે ૧૧૬ રન બનાવ્યા હતા. આ તેની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પ્રથમ સદી હતી. શેલ્ડોન જેકશન ૬૭ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ ઈનિંગમાં યશ દયાલ, શિવમ માવી, સૌરભકુમાર અને આકાશદીપ નાથે ૧-૧ વિકેટો ઝડપી હતી. સૌરાષ્ટ્ર ૬ વિકેટથી મેચ જીત્યુ હતું અને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે સૌરાષ્ટ્રની ટીમને ૨૪મી જાન્યુઆરીથી શરૂ થતાં સેમી ફાઈનલ મેચમાં કર્ણાટક ખાતે કર્ણાટકની ટીમ સાથે ટક્કર લેવાની રહેશે. હાર્વિક દેસાઈને મેચ ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ ૨૦૦૮-૦૯માં આસામની ટીમે દિલ્હી ખાતે સર્વિસીઝની ટીમ ઉપર ૪ વિકેટ ગુમાવી ૩૭૧ રન બનાવી મેળવેલો વિજય રણજી ટ્રોફી ઈતિહાસના રેકોર્ડમાં ફાસ્ટેસ્ટ રન ચેઈઝ મેચ હતો. જેનો રેકોર્ડ આજે સૌરાષ્ટ્રે ૪ વિકેટે ૩૭૨ રન બનાવી તોડ્યો છે. આ પહેલા સૌરાષ્ટ્રે ૫ વખત રન ચેઈઝ કરી ૨૦૦૮-૦૯માં કર્ણાટક, ૨૦૧૫-૧૬માં સર્વિસીઝ, ૨૦૦૩-૦૪માં હિમાચલ, ૨૦૧૮-૧૯માં રેલ્વે અને ૧૯૮૨-૮૩માં ગુજરાત સામે આવી રીતે જ વિજય મેળવ્યો હતો.

સૌરાષ્ટ્રની ટીમ નીચે મુજબ હતી.

જયદેવ ઉનડકટ - કેપ્ટન, ચેતેશ્વર પૂજારા, સ્નેલ પટેલ - વિકેટકીપર, હાર્વિક દેસાઈ, શેલ્ડોન જેકશન, અર્પિત વસાવડા, ધર્મેન્દ્ર જાડેજા, કમલેશ મકવાણા, પ્રેરક માંકડ, વિશ્વરાજસિંહ જાડેજા, ચેતન સાકરીયા. ટીમના મેનેજર તરીકે જાણીતા ફિઝીયોથેરાપીસ્ટ ડો.અર્જુનસિંહ રાણાએ સેવાઓ આપી હતી. (૩૭.૧૧)

 

(3:32 pm IST)