Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઈંગ્લેન્ડ પાક. પ્રવાસ અંગે ૪૮ કલાકમાં નિર્ણય લેશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીમાં વધારો : ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ બે મેચ રમવા પાકિસ્તાન જવાની હતી, હવે પ્રવાસને લઈને અનિશ્ચિતતા

નવી દિલ્હી, તા.૧૮ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ન્યુઝીલેન્ડ દ્વારા શુક્રવારના રોજ મેચ પહેલા એકાએક પ્રવાસ રદ્દ કરવાને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટનું ભવિષ્ય અંધારામાં હોય તેમ લાગી રહ્યું છે. સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાનારી આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ પહેલા ઈંગ્લેન્ડે બે મેચ માટે પાકિસ્તાન જવાનુ હતું, પરંતુ હવે પ્રવાસ રદ્દ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

બાબતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે સ્થિતિને સંપૂર્ણપણે સમજવા માટે અમારી સુરક્ષા ટીમ સાથે સંપર્ક કરી રહ્યા છીએ, જે અત્યારે પાકિસ્તાનમાં છે. ઈસીબી બોર્ડ આગામી ૨૪-૪૮ કલાકમાં નક્કી કરશે કે અમે પ્રવાસને આગળ વધારીશું કે નહીં. માનવામાં આવી રહ્યું છે કે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડ આજે બાબતે નિર્ણય લઈ લેશે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ટૂરને લગતા આદેશ પ્લેયર્સને પણ આપ્યા છે. તેમણે પ્લેયર્સને જણાવ્યુ હતું કે ટી-૨૦ વર્લ્ડ કપ ટીમમાં શામેલ તમામ ખેલાડીઓએ પાકિસ્તાન જવું પડશે. બન્ને બોર્ડ ટૂરને વર્લ્ડ કપની તૈયારીના ભાગ તરીકે જુએ છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સીરિઝનું આયોઝન થશે તો ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફમાં મોટા ઈંગ્લિશ ક્રિકેટર ભાગ નહીં લે, કારણકે સીરિઝ અને આઈપીએલ ૨૦૨૧ના પ્લેઓફનું શિડ્યુલ એક સમય પર નિર્ધારિત છે.

યોજના અનુસાર, ઈંગ્લિશ ટીમ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન પહોંચશે. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ મેચ રમાશે. આઈપીએલ ૨૦૨૧ની પ્લેઓફ મેચ ૧૦ ઓક્ટોબરના રોજ રમાશે. નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સીરિઝની પ્રથમ વનડે મેચ શરુ થાય તે પહેલા શુક્રવારના રોજ સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો છે. પાછલા ૧૮ વર્ષમાં ન્યુઝીલેન્ડનો પાકિસ્તાનમાં પ્રથમ પ્રવાસ હતો. સીરિઝમાં વનડે અને પાંચ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાવવાની હતી. કોરોનાને કારણે મેચ સ્ટેડિયમની ક્ષમતાના ૨૫ ટકા દર્શકોની હાજરીમાં આયોજિત હતી. પહેલા વર્ષ ૨૦૦૨માં પણ ન્યુઝીલેન્ડે કરાચીમાં હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ થવાને કારણે પ્રવાસ અધવચ્ચે રદ કર્યો હતો.

(7:30 pm IST)