Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૧૪ વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી ભારતીય રિકર્વ મેન્સ આર્ચરી ટીમ

નવી દિલ્હી: ભારતીય રિકર્વ મેન્સ આર્ચરી ટીમ ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ રવિવારે તેનો ગોલ્ડ મેડલના મુકાબલામાં ચીન સામે ૨-૬થી પરાજયનો સામનો કરવો પડયો હતો. આખરે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તરુણદીપ રાય, અતાનુ દાસ અને પ્રવીણ જાધવે આ વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટરમાં પહોંચવાની સાથે ભારતે આગામી વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે ત્રણ સ્થાનનો ક્વોટા હાંસલ કરી લીધો હતો. ૧૪ વર્ષ પહેલાં પણ ભારતીય ટીમ ૨૦૦૫માં મેડ્રિડ ખાતે યોજાયેલી વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે પણ ભારતને સિલ્વર મેળવ્યો હતો. ૨૦૦૫ની ટીમમાં તરુણદીપ, જયંત તાલુકદાર, રોબિન હંસદા તથા ગૌતમસિંહ  સામેલ હતા. ભારતીય ટીમે કેનેડાને ૫-૩થી હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇ સામે એકતરફી અંદાજમાં ૬-૦થી વિજય મેળવ્યો હતો. સેમિ.માં યજમાન હોલેન્ડને શૂટઓફમાં ૫-૪થી હરાવીને ગોલ્ડ માટેના મુકાબલામાં પોતાનું સ્થાન નિશ્ચિત કહ્યું હતું પરંતુ ભારતીય ટીમ ફાઇનલમાં ચાઇનીઝ અંતરાયને પાર કરી શક્યું નહોતું.

(5:28 pm IST)