Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઇંગ્લેન્ડનો કેપ્ટન ઈયોન મોર્ગને તરખાટ મચાવ્યો : વનડેમાં ઝંઝાવાતી બેટિંગ :સૌથી વધુ 17 છગ્ગા ફટકાર્યા : વર્લ્ડ રેકોર્ડ

માન્ચેસ્ટર, તા. ૧૮ :ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને આજે ઝંઝાવતી ઇનિંગ્સ રમી હતી. આની સાથે જ એક વનડે ઇનિંગ્સમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વિશ્વકપમાં અફઘાનિસ્તાનની સામે માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં મોર્ગને ૭૧ બોલમાં ૧૪૮ રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સમાં મોર્ગને ૧૭ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઝંઝાવતી ઇનિંગ્સના લીધે ઇંગ્લેન્ડે ૬ વિકેટે ૩૯૭ રનનો ખડકલો કર્યો હતો જે આ વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ઇંગ્લેન્ડે બાંગ્લાદેશની સામે છ વિકેટે ૩૮૬ રન ખડક્યા હતા. મોર્ગન ઉપરાંત બેરશોએ ૯૦ અને રૂટે ૮૮ રન બનાવ્યા હતા. મોર્ગને કોઇ એક વનડેમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

રોહિત શર્મા, ડિલિવિયર્સ અને ક્રિસ ગેઇલના નામ ઉપર ૧૬-૧૬ છગ્ગાનો રેકોર્ડ હતો. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની સામે ૨૦૧૩માં ૨૦૯ રનની ઇનિંગ્સ રમી હતી જેમાં ૧૬ છગ્ગા ફટકાર્યા હતા જ્યારે ડિવિલિયર્સે ૪૪ બોલમાં ૧૪૯ રન બનાવ્યા હતા જેમાં ૧૬ છગ્ગા ફટકાર્યા હતા જ્યારે ગેઇલે ગયા વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વે સામે ૨૧૫ રનની ઇનિંગ્સમાં ૧૬ છગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને આજે ૫૭ બોલમાં પોતાની સદી પુરી કરી હતી જે વર્લ્ડકપમાં ચોથી સૌથી ઝડપી સદી છે. આ પહેલા ઇંગ્લેન્ડે વેસ્ટઇન્ડિઝની સામે આજ વર્ષે ફેબ્રુઆરીમાં એક ઇનિંગ્સમાં ૨૪ છગ્ગા લગાવ્યા હતા. મોર્ગને વનડે ક્રિકેટમાં ૨૦૦ છગ્ગા પુરા કર્યા હતા તેના કુલ છગ્ગાની સંખ્યા ૨૧૧ની થઇ ગઇ છે. ૧૮ છગ્ગા આયર્લેન્ડ સામે ફટકાર્યા છે.

(10:09 pm IST)