Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ફેડરરે કારકિર્દીનું ૯૮મું ટાઈટલ જીત્યું

નવી દિલ્હી: સ્ટુટગાર્ટની ફાઈનલમાં રાઓનિકને હરાવીને ફેડરરે કારકિર્દીનું ૯૮મું ટાઈટલ જીત્યું - અઢી મહિનાના બ્રેક બાદ ૩૬ વર્ષના સ્વિસ લેજન્ડનું વિજયી પુનરાગમન - જર્મનીના સ્ટુટગાર્ટમાં રમાયેલી એટીપી ટુર્નામેન્ટમા ચેમ્પિયન બનેલા ફેડરરે ટ્રોફી સાથે તસવીર ખેંચાવી સ્ટુટગાર્ટ,તા. 17 જૂન 2018, રવિવાર સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે અઢી મહિનાના બ્રેક બાદ વિજયી પુનરાગમન કરતાં સ્ટુટગાર્ટ ઓપન ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આજે રમાયેલી ફાઈનલમાં ૩૬ વર્ષીય ફેડરરે તેના ૨૭ વર્ષના કેનેડિયન હરિફ રાઓનિકને સીધા સેટોમાં ૬-૪, ૭-૬ (૭-૩)થી પરાજય આપ્યો હતો. આ સાથે ફેડરરે કારકિર્દીનું ૯૮મું એટીપી ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. સોમવારે જ્યારે એટીપી રેન્કિંગ અપડેટ થશે, ત્યારે નડાલને પાછળ ધકેલીને ફેડરર છઠ્ઠી વખત મેન્સ સિંગલ્સમાં નંબર વનનું સ્થાન મેળવી લેશે. ફેડરરે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના વર્લ્ડ રેકોર્ડને વધુ મુશ્કેલ બનાવતા ૨૦ ટાઈટલ્સ સુધી પહોંચાડયો હતો. આ પછી માર્ચમાં માયામી ઓપનના રાઉન્ડ ઓફ ૬૪માં ઓસ્ટ્રેલિયાના કોકીનાકીસ સામેની હાર બાદ ફેડરરે ક્લે કોર્ટની સિઝનમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. હવે તારીખ ૨ જુલાઈથી ગ્રાસ કોર્ટ પર રમાતી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ રમવાની છે, ત્યારે ફરી ફેડરર આગવા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ફેડરર નવમી વખત વિમ્બલ્ડન જીતવાનો અનોખો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે. તે પહેલા તે આવતા સપ્તાહથી જર્મનીમાં શરૃ થઈ રહેલી હલ ઓપનમાં ભાગ લેશે, જ્યાં તે ૧૦મી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

(4:18 pm IST)