Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અર્જુન તેંડુલકરને આઈપીએલની એક પણ મેચમાં હજુ તક નથી મળી

ફેન્સ પ્લેઈંગ ઈલેવનમાં જોવા આતુર : રવિવારે દિલ્હીમાં રમાનારી મેચમાં અર્જુન તેંડુલકરને આઈપીએલડેબ્યુ કરવાની તક મળવાની પ્રબળ શક્યતા

મુંબઈ, તા.૧૮ :  સચિન તેંડુલકરના દીકરા અને ક્રિકેટર અર્જુન તેંડુલકરે આઈપીએલમાં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટાર પ્લેયરથી ઓછી નથી. સચિન તેંડુલકરના અને મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ તેને રમતો જોવા માટે આતુર છે. દરેક મેચ પહેલા ફેન્સ પ્લેઈંગ ઈલેવનમાં જૂનિયર તેંડુલકરનું નામ શોધતા હોય છે. પરંતુ સિઝનની ૧૩ મેચ પછી પણ યુવા ઓલરાઉન્ડરને ડેબ્યુની તક નથી મળી. ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફથી બહાર થઈ ગઈ છે પરંતુ હજી એક મેચ રમવાની બાકી છે. આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ૨૧મી મેના રોજ દિલ્હીમાં રમાનારી મેચમાં અર્જુન તેંડુલકરને આઈપીએલ(આઈપીએલ ૨૦૨૨) ડેબ્યુ કરવાની તક મળે.

મંગળવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ટોસ જીત્યા પછી કેપ્ટન રોહિત શર્માએ જે નિવેદન આપ્યુ હતું તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અર્જુન તેંડુલકરને આ સીઝનમાં રમવાની તક મળી શકે છે. રોહિત શર્માએ પોતાની પ્લેઈંગ ઈલેવન બાબતે કહ્યુ હતું કે અમે બે બદલાવ કર્યા છે. ઋતિક શૌકીન, કુમાર કાર્તિકેયના સ્થઆને મયંક માર્કંડે અને સંજય યાદવની એન્ટ્રી થઈ છે. અમે આ પ્રયોગ આગામી સિઝન માટે કરવા માંગીએ છીએ. નવા વર્ષ માટે પ્લેયર્સને પરખવા માંગીએ છીએ.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, કોર ગ્રુપ રમે તે જરૃરી છે. અમે અમારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના અમુક પાસાઓને પરખવા માંગીએ છીએ. આના પછી અમારી પાસે વધુ એક મેચ છે અને તે મેચમાં અમે બીજા પ્લેયર્સને તક આપી શકીએ છીએ. હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે શું રોહિત શર્માનો ઈશારો અર્જુન તેંડુલકર તરફ તો નથી? ગત સિઝનમાં અર્જુન તેંડુલકરને આઈપીએલમાં સામેલ કરવામાં આવ્યો હતો, તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અર્જુન તેંડુલકરને રમવાની તક ન મળી હોવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, સચિન તેંડુલકરના દીકરાને આ પ્રકારે ટીમમાં રાખીને રમવાની તક ના આપવી એ સારી વાત નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ હવે જીદ પર ઉતરી આવી છે, દરેક પ્લેયરને રમવાની તક આપી રહી છે પણ અર્જુન તેંડુલકરને નહીં.

(7:54 pm IST)