Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

૧૭ વન-ડે મેચ રમનાર દિમુથ કરૂણારત્નેને શ્રીલંકા ક્રિકેટ ટીમનું સુકાનપદ

નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટે (SLC) એક મોટો નિર્ણય લેતા દિમુથ કરૂણારત્નેને વનડે ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. કરૂણારત્ને હવે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપમાં શ્રીલંકાનો કેપ્ટન હશે. મહત્વનું છે કે, શ્રીલંકાએ હજુ સુધી વિશ્વ કપ માટે ટીમની જાહેરાત કરી નથી.

30 વર્ષીય કરૂણારત્નેએ વિશ્વકપ-2015 વર્લ્ડ કપ બાદ શ્રીલંકા માટે એક પણ વનડે મેચ રમી નથી. તેવામાં વિશ્વ કપ માટે તેને કમાન સોંપવાનો નિર્ણય ચોંકાવનારો છે. તેણે શ્રીલંકા માટે અત્યાર સુધી માત્ર 17 વનડે મેચ રમી છે, જેમાં તેણે 15.83ની એવરેજથી 190 રન બનાવ્યા છે.

આઈસીસી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, કરૂણારત્ને આ સમયે ટીમનો ટેસ્ટ કેપ્ટન છે. તેની આગેવાનીમાં શ્રીલંકાએ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતી હતી. શ્રીલંકાએ છેલ્લી ચાર સિરીઝ જુદા-જુદા કેપ્ટનોની આગેવાનીમાં રમી છે. કરૂણારત્નેની ગત  મહિને એક દુર્ઘટના બાદ નશામાં ગાડી ચલાવવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

(5:29 pm IST)