Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

આખા સ્ટેડિયમમાં એકલા બેસીને મેચ જોઇ શકાય એ માટે જબરો નુસખો અજમાવ્યો આ ભાઇએ

પોતાની પ્રિય બેઝબોલ કલબને ગંભીર નાણાકીય ક્ષતિ પહોંચાડવા બદલ જપાનના એક બેઝબોલપ્રેમી સામે હાલમાં ગંભીર આરોપ મુકાયો છે. ૪૧ વર્ષના કિયોશી શીબામુરા નામના ભાઈ સ્થાનિક બેઝબોલ કલબના ફેન હતા. તેમણે થોડા સમય પહેલાં આખા સ્ટેડિયમમાં એકલા બેસીને મેચ જોઈ શકાય અને ટીવીમાં એકલા તેનો જ વ્યુ આવે એવા આશયથી કલબની બે લીગ ગેમમાં લગભગ ૧૯૦૦ જેટલી સીટ રિઝર્વ કર્યા પછી અંતિમ સમયે એ કેન્સલ કરાવી હતી.

ઓસાકા શહેરમાં રહેતો ૪૧ વર્ષનો કિયોશી શીબામુરા ઓરિકસ બફેલોઝ બેઝબોલ કલબનો ફેન છે. ગયા વર્ષે ૨૮-૨૯ સપ્ટેમ્બરે ઓસાકાના કયોસેરા ડોમ ખાતે સોફ્ટબેન્ક હોકસ સામે તેની ફેવરિટ ટીમને રમતી જોવાનો લહાવો લેવા તેણે એક અત્યંત અનોખો અને ખર્ચાળ પ્લાન તૈયાર કર્યો હતો. ટીવી પર મેચ દર્શાવે ત્યારે આખા સ્ટેડિયમમાં પોતે એકલો જ દેખાય એ માટે તેણે જુદા-જુદા નામે સ્ટેડિયમની બધી ટિકિટ બુક કરાવી અને પોતાની ટિકિટ છોડીને બાકીની ૧૮૭૩ ટિકિટ છેલ્લી ઘડીએ કેન્સલ કરાવી જેથી અન્ય કોઈ વ્યકિત ટિકિટ ખરીદી ન શકે.

સામાન્ય સંજોગોમાં ઓછા પ્રશંસકો ધરાવતી ટીમની મેચમાં સ્ટેડિયમ ખાલી હોવું એ કોઈ મહત્વની બાબત નહોતી, પરંતુ આ સીઝનની છેલ્લી મેચ હતી અને સોફ્ટબેન્ક હોકસ નેશનલ ટાઇટલ જીતવાની હોડમાં હોવાથી ટિકિટના ભાવ પણ ઘણા ઊંચા હતા. અચાનક એકસામટી ૧૮૭૩ ટિકિટ કેન્સલ થવાથી કલબને ઘણું મોટું લગભગ ૭૫ લાખ રૂપિયાનું નુકસાન સહેવું પડ્યું હતું, જે આ નાની કલબ માટે ઘણું વધુ હતું. આંતરિક તપાસ શરૂ કરવામાં આવી. જોકે આખા સ્ટેડિયમમાં તે એકલો જ પ્રેક્ષક હોવાથી ગુનેગારનું નામ જાણવામાં વધુ મુશ્કેલી નહોતી પડી. જોકે પોતાનો ગુનો કબૂલ કરવામાં તેને જરાય સંકોચ નહોતો થયો.

તેણે કહ્યું કે હું કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના શાંતિથી મેચ જોવા ઇચ્છતો હતો. કિયોશી શીબામુરાને દંડ કરાયો કે પછી જેલની સજા થઈ એની તો ખબર નથી, પણ હવે ભવિષ્યમાં તે આવી ભૂલ નહીં કરે એ વાત ચોક્કસ.

(3:56 pm IST)