Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઈન્ડિયન સુપર લીગ-5: બેંગ્લુરૂ એફસીએ ગોવાને ૧-૦થી પરાજય આપી ટાઇટલ પોતાના નામે કર્યું

નવી દિલ્હી: ઈન્ડિયન સુપર લીગની પાંચમી સિઝનની ભારે રસાકસીભરી ફાઇનલ મેચમાં બેંગ્લુરૂ એફસીએ એફસી ગોવાને ૧-૦થી પરાજય આપી ટાઇટલ જીતી લીધું હતું. બંને ટીમો નિર્ધારિત સમય સુધી ગોલ કરવામાં નિષ્ફળ રહેતાં એક્સ્ટ્રા સમયમાં પહોંચી હતી. એક્સ્ટ્રા સમયમાં છેલ્લી ૧૫ મિનિટ એફસી ગોવા ૧૦ ખેલાડીઓથી રમી રહી હતી જેનો ફાયદો ઉઠાવતાં બેંગ્લુરૂ એફસી તરફથી રાહુલ ભેકેએ ૧૧૭મી મિનિટે હેડર દ્વારા ગોલ કરી ટીમને ચેમ્પિયન બનાવી હતી. ૧-૦થી જીતી લીધી હતી.  બેંગ્લુરૂ એફસી આ સિઝનમાં એફસી ગોવા સામે અપરાજેય રહી હતી. લીગ રાઉન્ડમાં બેંગ્લુરૂ એફસીએ એફસી ગોવાને બંને વખત પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં પણ બેગ્લુરૂએ પોતાનો દબદબો જાળવી રાખતાં પ્રથમ વાર આઈએસએલનું ટાઇટલ જીત્યું હતું. બેંગ્લુરૂ એફસી અને એફસી ગોવા વચ્ચેના ફાઇનલ મુકાબલામાં નિર્ધારિત સમય સુધી બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ હાફમાં ગોવા તરફથી ૧૫મી મિનિટે અહમ જાહુ ગોલ કરવાથી ચૂકી ગયો હતો જ્યારે હાફ ટાઇમ વખતે ટીમના કેપ્ટન મંદાર રાવ દેસાઈ ઈજાને કારણે ૪૫+૧ મિનિટે બહાર થવું પડયું હતું. તેના સ્થાને સેવિયર ગામાને સબ્સ્ટિટયૂટ તરીકે મોકલાયો હતો. ગોવાના મુખ્ય મંત્રી મનોહર પારિકરના નિધનને કારણે પ્રથમ હાફ વખતે એફસી ગોવા અને બેંગ્લુરૂ એફસીના ખેલાડીઓએ મૌન રાખી તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બીજા હાફમાં બેંગ્લુરૂ એફસી તરફથી મિકુએ ગોલ કરવાના સતત પ્રયાસ કર્યા હતા પરંતુ તેને સફળતા મળી નહોતી. ગોવાને પણ અંતિમ મિનિટોમાં ગોલની તક મળી પરંતુ તેનો ફાયદો ન ઉઠાવી શકતાં નિર્ધારિત સમય સુધી મેચ ગોલ રહિત રહી હતી જેને કારણે મેચ એક્સ્ટ્રા સમયમાં પહોંચી હતી. એક્સ્ટ્રા સમયમાં ૧૧૭મી મિનિટે બેંગ્લુરૂ એફસીને કોર્નર મળ્યું હતું જેના પર રાહુલ ભેકેએ હેડર દ્વારા ગોલ કરી ટીમને વિજય અપાવ્યો હતો.

(5:58 pm IST)