Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

૨૦ કરોડ સૈન્યના વેલ્ફેર ફંડમાં બીસીસીઆઇએ ફાળો આપ્યો

નવી દિલ્હી: પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, જેના પગલે દેશભરમાંથી નાગરીકો અને સંસ્થાઓએ સૈન્યના વેલ્ફેર ફંડમાં ફાળો આપ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ રૃપિયા ૨૦ કરોડ સૈન્યના વેલ્ફેર ફંડમાં આપવા જઈ રહ્યું છે. અગાઉ બીસીસીઆઇ જાહેરાત કરી ચૂક્યું છે કે, તેઓએ તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આઇપીએલનો રંગારંગ ઉદ્ઘાટન કાર્યક્રમ પડતો મૂક્યો છે અને તેના સ્થાને ઉદ્ઘાટન પાછળ ખર્ચાનારી રકમ સૈન્યના વેલફેર ફંડ અને નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં આપવામાં આવશે. બીસીસીઆઇના સૂત્રોને ટાંકીને એક મીડિયા અહેવાલ જણાવે છે કે, આઇપીએલની પ્રથમ મેચ તારીખ ૨૩મી માર્ચે ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે. જે મેચમાં ભારતીય સૈન્યના ત્રણેય પાંખના પ્રતિનિધિઓને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે. આ મેચ અગાઉ જ કોહલી અને ધોનીની હાજરીમાં જ બીસીસીઆઈ આશરે રૃપિયા ૨૦ કરોડનો ચેક સૈન્યના અધિકારીઓને અર્પણ કરશે. નોંધપાત્ર છે કે, આઇપીએલના ઉદ્ઘાટન સમારંભનું બજેટ ગત વર્ષે રૃપિયા ૧૫ કરોડ હતું, જે વધારીને આ વખતે ૨૦ કરોડ રૃપિયા કરવામાં આવ્યું હતુ અને હવે આ નાણાં સૈન્યના વેલ્ફેર ફંડમાં આપવામાં આવશે. અગાઉ બીસીસીઆઇના કાર્યકારી પ્રમુખ સી.કે. ખન્નાએ માગ કરી હતી કે, બોર્ડે ઓછામાં ઓછા રૃપિયા પાંચ કરોડ શહીદોના પરીવારો માટે ફાળવવા જોઈએ. 

(5:55 pm IST)