Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મલેશિયા માસ્ટર્સ : નોઝોમી પર સાયનાની શાનદાર જીત

મલેશિયા માસ્ટર્સની સેમિફાઇનલમાં આગેકૂચ : આજે સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન મારિન સામે રમશે

ક્વાલાલ્મપુર, તા. ૧૮ : ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે જોરદાર દેખાવ કરીને મલેશિયા માસ્ટર્સની સેમિફાઇનલમાં આગેકૂચ કરી લીધી હતી. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા ઉપર જીત મેળવી હતી. જાપાનની ઓકુહારા ઉપર ભારતીય સ્ટાર ખેલાડીએ ૨૧-૧૮, ૨૩-૨૧થી જીત મેળવી હતી. ૪૮ મિનિટ સુધી આ ક્વાર્ટર ફાઇનલ મેચ ચાલી હતી. ૩૫૦૦૦૦ ડોલરની આ સ્પર્ધામાં સાયના નેહવાલ માટે શાનદાર દેખાવ કરવાની હવે ખુબ સારી તક રહેલી છે. હૈદરાબાદની આ ૨૮ વર્ષીય ખેલાડીએ ૨૦૧૭માં પણ અહીં જીત મેળવવામાં સફળતા મેળવી હતી. જ્યારે ૨૦૧૧માં તે રનર્સઅપ રહી હતી. આવતીકાલે શનિવારના દિવસે સાનિયા નેહવાલ સામે મોટો પડકાર રહેશે. આવતીકાલે તે સેમિફાઇનલમાં સ્પેનની ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન કેરોલીના મારિન સામે ટકરાશે. કેરોલીના હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. અલબત્ત સાનિયાએ મારિનને પાંચ વખત હાર આપી છે. ૧૦ મેચમાં આ બંને ખેલાડી આમને સામને આવી છે જેમાં પાંચ વખત મારિનની જીત થઇ છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ એક બીજા ઉપર લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. મલેશિયા માસ્ટર્સને લઇને બંને ખેલાડી આશાવાદી દેખાઈ રહી છે. સાનિયા નેહવાલ છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ચાલી રહી હતી પરંતુ હવે તે ફરી એકવાર રંગમાં આવી ગઈ છે. સાતમી ક્રમાંકિત સાનિયા નેહવાલ જાપાનની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી સામે હેડ ટુ હેડ રેકોર્ડમાં ૮-૪નો રેકોર્ડ ધરાવે છે. આજની મેચ જોવા માટે મોટી સંખ્યામાં બેડમિંટન ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. મેચમાં સાયના નેહવાલે ખુબ શાનદાર રમત રમી હતી.

(8:02 pm IST)