Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાલેપ-એરેનાની વિજય આગેકૂચ

નવી દિલ્હી:નંબર વન ટેનિસ ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપ અને દિગ્ગજ સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજયી લય જાળવી રાખતાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. સિમોના હાલેપે બીજા રાઉન્ડમાં અમેરિકાની સોફિયા કેનિનને પરાજય આપ્યો હતો જ્યારે સેરેના વિલિયમ્સે કેનેડાની એન્જેની બુચાર્ડને હરાવી ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું હતું. સિમોના હાલેપ સોફિયા કેનિનને ૬-૩, ૬-૭, ૬-૪થી પરાજય આપ્યો હતો. રોડ લેવર એરેનામાં રમાયેલી મેચમાં હાલેપને જીત માટે બે કલાક ૩૧ મિનિટ સુધી સંઘર્ષ કરવો પડયો હતો. હાલેપની શરૂઆત શાનદાર રહી હતી અને તેણે પ્રથમ સેટ આસાનીથી જીતી લીધો હતો પરંતુ અમેરિકન ખેલાડીએ વાપસી કરી અને બીજો સેટ ટાઇ બ્રેકરમાં ગયો હતો. ટાઇ બ્રેકરમાં કેનિને જીત મેળવી લેતાં મેચ ત્રીજા સેટમાં પહોંચી હતી. ત્રીજા અને અંતિમ સેટમાં કેનિનને સારી શરૂઆત કરી હતી પરંતુ હાલેપે પોતાની રમત સુધારતાં ત્રીજો સેટ જીતી ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. હાલેપે ૩૫ અનફોર્સેડ એરર કરી જ્યારે કેનિને ૪૭ અનફોર્સેડ એરર કરી હતી. ત્રીજા રાઉન્ડમાં હાલેપનો સામનો વિનસ વિલિયમ્સ સામે થશે. વિનસ વિલિયમ્સે માર્ગેટ કોર્ટ એરેનામાં એલિઝે કોર્નેટને બે કલાક ૧૮ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૩, ૪-૬, ૬-૦થી હાર આપી હતી. સેરેના વિલિયમ્સે કેનેડાની એન્જેની બુચાર્ડને ૭૦ મિનિટ ચાલેલી મેચમાં ૬-૨, ૬-૨થી આસાનીથી પરાજય આપ્યો હતો. ૧૬મી ક્રમાંકિત સેરેના વિલિમ્યસે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સતત ૧૮મો સેટ જીત્યો હતો. સેરેનાએ ૨૦૧૭માં અહીં એકેય સેટ ગુમાવ્યા વિના ૨૩મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. વિલિયમ્સ અને બુચાર્ડ વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો અને ત્રણેય વખત સેરેનાએ જીત મેળવી હતી. ત્રીજા રાઉન્ડમાં સેરેનાનો સામનો યૂક્રેઇનની ૧૮ વર્ષીય ડાયના યસ્ત્રેમસ્કા સામે થશે.

(5:10 pm IST)