Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ટી-૨૦ ક્રિકેટમાં રોહીત અને વિરાટને પણ પાછળ છોડી મિતાલી રાજ આગળ નીકળી ગઇ

નવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટી-20ના ટોપ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ રેકોર્ડ પર નજર નાખીએ તો ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં આ બંને બેટ્સમેનો મહિલા ક્રિકેટર મિતાલી રાજથી પાછળ છે. મહિલા ક્રિકેટમાં ટીમની સચિન તેંદુલકર કહેવાતી મિતાલી રાજના નામે ટી-20 ઈન્ટરનેશનલમાં 2283 રન છે, જ્યારે રોહિત શર્માના નામે 2207 રન છે. રોહિત પુરુષ ક્રિકેટમાં સૌથી વધારે બનાવવાના મામલામાં બીજા ક્રમે છે, જ્યારે ભારત તરફથી ટોચને બેટ્સમેન છે.

આટલું જ નહીં રોચક વાત એવી પણ સામે આવી છે કે મિતાલી રાજે રોહિતની બરાબર 80 ઈનિંગ રમી છે અને વધારે રન બનાવ્યા છે. મહિલા અને પુરુષ ક્રિકેટમાં તે ભારતની ટોપ બેટ્સમેન છે. તેણે મહિલા વર્લ્ડ ટી-20માં પાકિસ્તાન સામે રમેલી 56 રનની ઈનિંગની મદદથી રોહિતને પાછળ છોડ્યો. મહિલા ક્રિકેટની વાત કરીએ તો મિતાલી ચોથા ક્રમે છે. તેનાથી આગળ ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ (2996 રન), વેસ્ટ ઈન્ડીઝની સ્ટેફની ટેલર (2691 રન) અને ઈંગ્લેન્ડની એડવર્ડ (2605 રન) છે.

મિતાલીના નામ પર 17 અડધી સદી છે, જ્યારે રોહિત શર્માના નામે 4 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ઈન્ટરનેશલન લેવલ પર ટી-20માં સૌથી વધારે રનોના મામલે ભારત તરફથી ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે. તેણે 58 ઈનિંગમાં 2102 રન બનાવ્યા છે. આ બાદ મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનો નંબર આવે છે. 5મા ક્રમે સુરેશ રૈના છે, જ્યારે છઠ્ઠા નંબરે ધોની છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મિતાલી રાજે અડધી સદીની ઈનિંગ તથા સ્પિનરોનની સારી બોલિંગની મદદથી ભારતે આયરલેન્ડને 52 રનથી હરાવ્યું હતું. આ સાથે જ આઈસીસી મહિલા વર્લ્ડ ટી20ની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. મિતાલીએ 56 બોલમાં 51 રન બનાવ્યા. ભારતે આ મેચમાં આપેલા 145 રનનો ટાર્ગેટ સામે આયરલેન્ડની ટીમ 93 રન જ બનાવી શકી હતી.

(7:23 pm IST)