Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ટી-20 મહિલા વિશ્વ કપમાં આયર્લેન્ડની હરાવી ભારતીય ટીમ સેમિફાઇનલમાં

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટટીમે આયરલેન્ડને ૫૨ રને પરાજય આપી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતની આ સતત ત્રીજી જીત હતી. ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. તે પછી બીજી મેચમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. હવે આયરલેન્ડને હરાવી ભારતીય ટીમ વર્ષ ૨૦૧૦ બાદ પ્રથમ વાર સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ગ્રૂપ બીમાં ઓસ્ટ્રેલિયા પણ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. આયરલેન્ડ સામે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૪૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં આયરલેન્ડની ટીમ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૯૩ રન બનાવી શકી હતી.ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમની અનુભવી ખેલાડી મિતાલી રાજે સ્મિૃતિ મંધાના સાથે શરૂઆતની ઓવરોમાં મક્કમતાપૂર્ણ બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૬૭ રન જોડયા હતા. ૧૦મી ઓવરના અંતિમ બોલે મંધાના અંગત ૩૩ રન બનાવી આઉટ થઈ હતી. ભારતીય ટીમને બીજો ઝટકો જેમિમા રોડ્રિગ્ઝના રૂપમાં લાગ્યો હતો. ૧૫મી ઓવરમાં જેમિમા અંગત ૧૮ રન બનાવી આઉટ થઈ હતી. તે પછી આવેલી કેપ્ટન હરમનપ્રીત પણ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં સાત રન બનાવી આઉટ થઈ હતી. હરમનપ્રીત બાદ બેટિંગમાં આવેલી વેદા કૃષ્ણમૂર્તિ પણ મિતાલીને વધુ સાથ આપી શકી નહોતી અને નવ રન બનાવી આઉટ થઈ હતી. તે પછી મિતાલી રાજે ૫૪ બોલમાં પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. અર્ધી સદી પૂર્ણ કર્યા બાદ મિતાલી પણ ૫૧ રનના અંગત સ્કોરે આઉટ થઈ હતી. અંતિમ ઓવરમાં હેમલતા રનઆઉટ થઈ હતી. દીપ્તિ શર્મા ૧૧ રને અને રાધા યાદવ એક રને અણનમ રહી હતી. આયરલેન્ડ તરફથી ગાર્થે ચાર ઓવરમાં ૨૨ રન આપી બે વિકેટ ઝડપી હતી.૧૪૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી આયરેલેન્ડ ટીમ દીપ્તિ શર્મા અને રાધા યાદવની વેધક બોલિંગનો સામનો કરી શકી નહોતી અને ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૯૩ રન બનાવી શકી હતી. આયરલેન્ડ તરફથી ઇસોબોલ જોયસે સર્વાધિક ૩૩ રન બનાવ્યા હતા જ્યારે ઓપનર શિલિંગ્ટન ૨૩ રન બનાવી આઉટ થઈ હતી. આ બંનેને બાદ કરતાં આયરલેન્ડની એકેય ખેલાડી ડબલ ફિગરે પહોંચી શકી નહોતી. રાધા યાદવે ચાર ઓવરમાં ૨૫ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે દીપ્તિ શર્માએ ત્રણ ઓવરમાં ૧૫ રન આપી બે વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ અને હરમનપ્રીત કૌરને ૧-૧ વિકેટ મળી હતી.

 

 

 

(5:34 pm IST)