Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પ્રો કબડ્ડી લીગ-6: ગુજરાત ફોર્ચ્યુને ઘરઆંગણે કરી જીતથી શરૂઆત

નવી દિલ્હી: પ્રો. કબડ્ડી લીગ (PKL)માં ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સે હોમ લેગના મુકાબલામાં વિજયી શરૂઆત કરતાં બંગાળ વોરિયર્સને ૩૫-૨૩થી હરાવી આ ટૂર્નામેન્ટમાં સતત સાતમો વિજય મેળવ્યો હતો. ગુજરાતની ટીમ આ જીતને કારણે ૩૯ પોઇન્ટ સાથે ઝોન એમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાતે નવ પૈકી પ્રથમ મેચ ટાઈ કરી કરી હતી જ્યારે બીજી મેચમાં હાર મળી હતી. તે પછીની સાતેય મેચમાં ગુજરાતે જીત મેળવી હતી.મેચની શરૂઆતમાં બંગાળની ટીમે ગુજરાતની ટીમને ટક્કર આપતાં શરૂઆતની ૧૦ મિનિટમાં ૯-૯ની બરાબરી કરી હતી. બંગાળે ૧૨મી મિનિટે ૧૦-૯ની અને ૧૩મી મિનિટે ૧૧-૧૦ની નજીવી સરસાઈ મેળવી હતી. તે પછી ગુજરાતે મેચમાં જોરદાર વાપસી કરતાં બંગાળની ટીમ પ્રથમ હાફ સુધી ગુજરાતની બરાબરી કરી શકી નહોતી. ગુજરાતે પ્રથમ હાફમાં ૧૯-૧૪ની સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં પણ ગુજરાતે બંગાળને મેચમાં વાપસીની તક આપ્યા વિના મેચ પૂર્ણ થવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ૩૨-૨૦ની મજબૂત લીડ મેળવી લીધી હતી. અંતિમ પાંચ મિનિટમાં બંને ટીમોએ ૩-૩ પોઇન્ટ મેળવતાં ગુજરાતે આ મેચ ૩૫-૨૩થી જીતી લીધી હતી.ગુજરાતની ટીમે ૧૮ રેડ પોઇન્ટ, ૧૦ ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા. ઓલઆઉટના ચાર પોઇન્ટ અને એક્સ્ટ્રા ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. બંગાળની ટીમે ૧૩ રેડ પોઇન્ટ, આઠ ટેકલ પોઇન્ટ અને બે એક્સ્ટ્રા પોઇન્ટ મેળવ્યા હતા. ગુજરાત તરફથી કે. પ્રપન્જને સૌથી વધુ નવ પોઇન્ટ બનાવ્યા હતા. અજયકુમારે છ અને પરવેશ ભેંસવાલે ચાર પોઇન્ટ મેળવ્યા હતા. બંગાળ તરફથી મનિન્દરસિંહે સર્વાધિક છ પોઇન્ટ બનાવ્યા હતા.

 

(5:34 pm IST)