Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કોઈ ખેલાડી કુંવારો નથી

વિરાટ સેનાના સાત પ્લેયરોને ત્યાં પહેલુ પારણું પુત્રીના નામે બંધાયુઃ પિતાના સહકારથી બીજી હરોળની મહિલા ક્રિકેટ ટીમ બની શકે

કદાચ એ યોગાનુયોગ થશે. દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમમાં એક પણ ખેલાડી કુંવારો નથી.

એટલું જ નહીં, વિરાટ કોહલીની હાલની ભારતીય ટીમમાં સાત ખેલાડીઓ એકમાત્ર સંતાનના પિતા છે. વળી આ સાતેય ખેલાડીઓને ત્યાં પહેલી વખત પારણું બંધાયું ત્યારે પુત્રીનો જ જન્મ થયો છે.

રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વૃદ્ધીમાન શહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને આ યાદીમાં છેલ્લું નામ અજિંકય રહાણેનું આવે છે.

રહાણેની પત્ની રાધિકાએ તાજેતરમાં મુલુંડ ખાતે પુત્રીને જન્મ આપ્યો ત્યારે વિશાખાપટ્ટનમ ખાતે ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. રોહિત શર્મા પુત્રીના જન્મ વખતે ખાસ ઓસ્ટ્રેલિયાથી ભારત પાછો ફર્યો હતો, પરંતુ રહાણે એ ટેસ્ટ રમવાને વધારે મહત્વ આપ્યું હતું.

આ અખબાર જોડે વાતચીત કરતા રહાણેના પિતા મધુકર રહાણે મજાકમાં કહે છે : યસ, આ તમામ હાલના ખેલાડીઓની પુત્રીઓ ભારત માટે બીજી હરોળની મહિલા ક્રિકેટ ટીમ જરૂર બનાવી શકે.

અમે પુત્રીનું નામ હજુ પાડયું નથી. અજિંકય અને રાધિકા પર આ નામ પસંદ કરવાનું અને છોડયું છે.

કપિલ દેવ અને સૌરવ ગાંગુલીની પુત્રીઓ-અમીયા અને સાના-અનુક્રમે બિઝનેસ મેનેજમેન્ટ અને ડાન્સિંગમાં કેરિયર બનાવવા ચાહે છે. પરંતુ, હાલના ક્રિકેટરોમાં ધોનીની પુત્રી જીવા, ગૌતમ ગંભીરની બે પુત્રીઓ (આઝીન અને અનાઇઝા), રોહિત શર્મા અને રિતિકા સજદેહ ની પુત્રી સમૈરા, સુરેશ અને પ્રિયંકા રૈનાની ત્રણ વર્ષની પુત્રી ગ્રેશિયા, હરભજન સિંહ અને ગીતા બસરા ની ૩ વર્ષ ની હિનાયા આ તમામ ને પોતપોતાના પિતાનો સહકાર મળે તો ભારતની આખી મહિલા ટીમ ભવિષ્યમાં ઊભી થઈ શકે.

(1:14 pm IST)