Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિજય હજારે ટ્રોફીમાં શ્રેયસ અય્યર-પૃથ્વી શોની અડધી સદીની મદદથી મુંબઈ ફાઇનલમાં પહોંચ્યું

હૈદરાબાદને વીજેડી પદ્ધતિથી 60 રને હરાવી મુંબઇનો ફાઇનલમાં પ્રવેશ

બેંગલુરૂઃ યુવા ક્રિકેટર પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી મુંબઈએ વરસાદથી પ્રભાવિત મેચમાં હૈદરાબાદને વીજેડી પદ્ધતિથી 60 રને હરાવીને વિજય હજારે ટ્રોફી વનડે ક્રિકેટ ટૂર્નામેન્ટના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે મુંબઈની સામે 247 રનનો લક્ષ્ય હતો, પરંતુ જ્યારે તેણે 25 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા ત્યારે વરસાદ આવ્યો અને મેચ રોકવી પડી હતી. 

  વીજેડી પદ્ધતિથી ત્યારે જીત માટે મુંબઈનો સ્કોર બે વિકેટ પર 96 રન હોવાની જરૂર હતી. આ પહેલા હૈદરાબાદે રોહિત રાયડૂના અણનમ 121 રનની મદદથી 8 વિકેટે 246 રન બનાવ્યા હતા. રોહિત રાયડૂ સિવાય હૈદરાબાદના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ત્યારબાદ બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન હતો જે બીપી સંદીપે બનાવ્યો હતો. 

  અંબાતી રાયડૂના પિતરાઈ ભાઈ રોહિત રાયડૂએ પોતાની 132 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન અંબાતી રાયડૂ માત્ર 11 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી તુષાર દેશપાંડેએ 55 રન આપીને બે તથા રોયસ્ટન ડિયાસે 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરનો શાનદાર પ્રારંભ કરનાર શોએ 44 બોલમાં 8 ફોર અને બે સિક્સની મદદથી 61 રન બનાવીને મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.

(7:36 pm IST)