Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ડેવિસ કપમાં સતત બીજા વર્ષે ફ્રાંસે ફાઇનલમાં મેળવી એન્ટ્રી

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે ૩-૦થી સ્પેનને હરાવીને સતત બીજા વર્ષે ડેવિસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. વર્લ્ડ નંબર વન સુપરસ્ટાર નડાલ વિના રમી રહેલી સ્પેનની ટીમના ખેલાડીઓ વિજયી દેખાવ કરી શક્યા નહતા અને શરૃઆતની બંને સિંગલ્સ હારી ગયા હતા. આ પછી રમાયેલી ડબલ્સ ટાઈમાં ફ્રાન્સના નિકોસ માહુત અને જુલિયન બેનેટેયુએ સીધા સેટોમાં ૬-૦, ૬-૪, ૭-૬ (૯-૭)થી સ્પેનના માર્સેલ ગ્રાનોલેસ અને ફેલીસીનો લોપેઝને હરાવીને ટીમને અજેય સરસાઈ અપાવી દીધી હતી. ફ્રાન્સની ટીમને આ સાથે ડેવિસ કપ ચેમ્પિયન તરીકનું ટાઈટલ જાળવી રાખવાની આશા છે. નવેમ્બરમાં રમનારી ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો ક્રોએશિયા અને અમેરિકા વચ્ચેની સેમિ ફાઈનલમાં વિજેતા બનનારા દેશ સામે થશે. ક્રોએશિયા અને અમેરિકા વચ્ચેનો મુકાબલો ૨-૨થી બરોબરી પર હતો અને આખરી અને નિર્ણાયક મેચમાં નેક્સ્ટ જનરેશનના સુપરસ્ટાર્સ ટકરાઈ રહ્યા હતા, જેમાં ક્રોએશિયાના બોર્ના કોરિક અને અમેરિકાના ટિએફો વચ્ચે મેચ ચાલી રહી હતી.બેનેટેયુ અને માહુતની સફળતાને પગલે ફ્રાન્સની ટીમ નવમી વખત ફાઇનલમાં પ્રવેશી છે. ૩૬ વર્ષના બેનેટેયુએ ચાલુ વર્ષની યુએસ ઓપનની સાથે નિવૃત્તિ લઈ લીધી હતી. આ સિઝન ખેલાડી તરીકેની તેની આખરી સિઝન છે. હવે આવતા વર્ષથી તે ફ્રાન્સની ફેડ કપ ટીમનો કેપ્ટન બની જશે. 

(5:45 pm IST)