Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૧૩મી સિલેસિયાન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં મેરીકોમે મેળવ્યું ગોલ્ડ

નવી દિલ્હી: પોલેન્ડમાં યોજાયેલી ૧૩મી સિલેસિયાન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમે ૪૮ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મનીષાનો ૫૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પરાજય થતાં સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. મેરિકોમનો આ વર્ષે ત્રીજો ગોલ્ડ મેડલ છે. મેરિકોમે આ વર્ષે દિલ્હી ખાતે યોજાયેલી ઈન્ડિયા ઓપનમાં અને ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે બલ્ગેરિયામાં યોજાયેલા સ્ટ્રેડ્જા મેમોરિયલ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.મેરિકોમ ૪૮ કિગ્રાની ફાઇનલમાં કઝાખસ્તાનની એગ્રિમ કસાનાયેવાને ૫-૦થી પરાજય આપી આ ટૂર્નામેન્ટમાં એક માત્ર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મનીષાનો સામનો યૂક્રેઇનની ઇવાના ક્રુપેનિઆ સામે હતો જેમાં મનીષાનો ૨-૩થી પરાજય થતાં સિલ્વર મેડલ મળ્યો હતો. ભારતે આ ટૂર્નામેન્ટ સિનિયર વિભાગમાં ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાં એલ. સરિતાદેવીએ ૬૦ કિગ્રામાં, રિતુ ગ્રેવાલે ૫૧ કિગ્રા, લોવલિના બોરગોહેને ૬૯ કિગ્રામાં અને પૂજા રાનીએ ૮૧ કિગ્રામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.યૂથ વિભાગમાં ભારતની જ્યોતિ ગુલિયાએ ૫૧ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. પૂર્વ યૂથ ચેમ્પિયન જ્યોતિએ પોલેન્ડના તાતિયાના પ્લુટાને ફાઇનલ બાઉટના બીજા રાઉન્ડમાં જ પરાજય આપ્યો હતો. આગામી મહિને આર્જેન્ટિનામાં યોજાનાર યૂથ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર દેશની એક માત્ર ૧૭ વર્ષીય બોક્સરે પોતાની વિરોધી ખેલાડીને કોઈ તક આપી નહોતી. આ પહેલાં જુનિયર સ્પર્ધામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં છ ગોલ્ડ, છ સિલ્વર અને એક બ્રોન્ઝ મળી કુલ ૧૩ મેડલ જીત્યા હતા.

(5:44 pm IST)