Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

દીપા તેમજ બજરંગને રાજીવ ગાંધી ખેલ રત્ન સન્માન મળ્યું

રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયો : જુદા જુદા વર્ગના રમત-ગમત ક્ષેત્રના એવોર્ડ જાહેર થયા

નવી દિલ્હી,તા. ૧૭ : દીપા મલિક અને બજરંગ પૂનિયાને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે શનિવારના દિવસે ખેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પેરા ઓલિમ્પિકમાં ભારતીય મહિલા એથલિટ દીપા મલિક અને એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગ પૂનિયાને ખેલના સૌથી મોટા પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માન કરવામાં આવ્યા છે. રેસલર અથવા તો પહેલવાન બજરંગ પુનિયા જોરદાર દેખાવ કરી રહ્યો છે.

     દ્રોણાચાર્ય એવોર્ડ કેટેગરીમાં વિમલ કુમાર (બેડમિન્ટન), સંદિપ ગુપ્તા (ટેબલ ટેનિસ), મોહિન્દર સિંહ (એથલેટિક)ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે લાઈફ ટાઈમ કેટેગરીમાં સંજય ભારદ્વાજ (ક્રિકેટ), રામબીર (કબડ્ડી)ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અર્જુન એવોર્ડ માટે જેની પસંદગી કરવામાં આવી છે તેમાં રવિન્દ્ર જાડેજા, કબડ્ડીમાં અજય ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધ્યાનચંદ એવોર્ડ માટે ટેબલ ટેનિસમાં અરુપ બસકની પસંદગી કરાઈ છે. જ્યારે કુસ્તીબાજ મનોજ કુમારની પસંદગી કરાઈ છે. બજરંગ પુનિયાએ ગયા વર્ષે એવોર્ડ નહીં મળવાના કારણે કોર્ટમાં જવાની ધમકી આપી હતી. બજરંગે ગયા વર્ષે ૬૫ કિલ્લોગ્રામ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જાડેજા અને પુનમ સહિત ૧૯ ખેલાડીઓની પસંદગી અર્જુન પુરસ્કાર માટે કરવામાં આવી છે. હોકીના મેઝબાન પટેલની પસંદગી લાઇફ ટાઈમ કેટેગરી માટે કરાઈ છે.

(9:04 pm IST)