Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સિનસિનાટી માસ્ટર્સમાં ફેડરરની આગેકૂચ

નવી દિલ્હી: સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે જર્મનીના બિનક્રમાકિત ખેલાડી ગોજોવસ્જીકને સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી હરાવીને સિનસિનાટી માસ્ટર્સમાં વિજયી પ્રારંભ કર્યો હતો. આ સાથે ફેડરરે યુએસ ઓપનની તૈયારીઓ શરૃ કરી દીધી છે. વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હાર બાદ ફેડરરની આ પ્રથમ ટુર્નામેન્ટ છે. ૧૦મો સીડ ધરાવતા સર્બિયાના યોકોવિચે ફ્રાન્સના મેન્નારિનો સામે ૪-૬, ૬-૨, ૬-૧થી વિજય મેળવતા ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું હતુ.જ્યારે સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાએ પણ આગેકૂચને જારી રાખતાં જાપાનના નિશિકોરીને ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. ૧૫મો સીડ ધરાવતા ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી નિક કિર્ગીઓસે તોફાની અંદાજ જારી રાખતાં ક્રોએશિયાના કોરિક સામે ૭-૬ (૭-૧), ૦-૬, ૬-૩થી વિજય મેળવતા અંતિમ ૧૬માં એન્ટ્રી મેળવી હતી. રાઉન્ડ ઓફ ૧૬માં કેનેડાના રાઓનિકનો મુકાબલો તેના જ દેશના શાપોવાલોવ સામે થશે. રાઓનિકે ૬-૩, ૭-૫થી ટયુનિશીયાના જાઝીરીને હરાવ્યો હતો. જ્યારે શાપોવાલોવે ૧૪મો સીડ ધરાવતા બ્રિટીશ ખેલાડી કાયલ એડમંડને ૬-૪, ૭-૫થી હાર આપી હતી. ૧૧મો સીડ ધરાવતા બેલ્જીયમના ડેવિડ ગોફિને બીજા રાઉન્ડમાં ફ્રાન્સના પાયરેને ૫-૭, ૬-૪, ૬-૨થી હરાવીને આગેકૂચ કરી હતી. નેધરલેન્ડના રોબિન હાસે મેજર અપસેટ સર્જતાં ત્રીજો સીડ ધરાવતા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને ૫-૭, ૬-૪, ૭-૫થી પરાસ્ત કર્યો હતો. સાતમા સીડેડ તરીકે રમી રહેલા ક્રોએશિયાના સિલીકે ૬-૭ (૪-૭), ૬-૪, ૬-૪થી રોમાનિયાના કોપીલને અને છઠ્ઠો સીડ ધરાવતા સાઉથ આફ્રિકાના એન્ડરસને ૭-૬ (૮-૬), ૬-૨થી ફ્રાન્સના જેરોમી ચાર્ડીના પડકારનો અંત આણી દીધો હતો.

(4:57 pm IST)