Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પ્રો કબડ્ડી લીગ સીઝન 7માં નવા સ્લોગન સાથે મેદાનમાં ઉતારશે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ

નવી દિલ્હી:ક્રિકેટ વર્લ્ડ કપ તથા ટેનિસ ગ્રાન્ડસ્લેમના સમાપન બાદ હવે આવી રહ્યો છે પ્રો-કબડ્ડી લીગનો (પીકેએલ) સમય. ૨૦મી જુલાઇથી કબડ્ડીની સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે અને તેમાં છેલ્લી બે સિઝનમાં રનર્સ-અપ બનેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ નવા સ્લોગન ‘ઇસ બાર છોડના નહીં’ સાથે નવી સિઝન માટે સજ્જ થઇ ચૂકી છે. નવા ચહેરા તથા નવા જોશ સાથે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ તેની સત્તાવાર જર્સીનું અમદાવાદ ખાતે અનાવરણ કર્યું હતું. ૧૨ ટીમોની લીગ ભારતના વિવિધ શહેરોમાં રમાશે અને તેમાં અમદાવાદ ઝોનની મેચો ૧૦મી ઓગસ્ટથી એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે રમાશે. ત્યારબાદ ૧૧, ૧૪ તથા ૧૬મી ઓગસ્ટે વિવિધ મેચો રમાશે. ગુજરાત જાયન્ટ્સ ટીમના કોચ મનપ્રીતસિંઘે જણાવ્યું હતું કે ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. સુનિલ કુમાર તથા પરવેશ બૈનસ્વાલનો બહોળો અનુભવ ટીમ માટે અમૂલ્ય બન્યો છે. અભિષેક ચિલ્લર તથા હરમનજીતસિંઘ પોતાની આક્રમક રેઇડિંગ દ્વારા હરીફ ટીમોને સ્તબ્ધ કરીને મહત્ત્વના પોઇન્ટ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. ટીમમાં ઋતુરાજ કોરાવી તથા સોનુ ગહલાવત જેવા આધારભૂત ડિફેન્ડર્સ છે. આશા છે કે  સાતમી સિઝનમાં અમે ચેમ્પિયન બનવામાં સફળ રહીશું.ટીમના અન્ય કોચ નીર ગુલિયાએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ફિટનેસ, સ્કિલ, પ્રેક્ટિસ અંગે દરરોજ નવ કલાક પ્રેક્ટિસ કરે છે. છેલ્લી બે સિઝનમાં ખેલાડીઓએ આકરી પ્રેક્ટિસ કરી હતી પરંતુ અમે ચેમ્પિયન બની શક્યા નહોતા. આ વખતે ગેમપ્લાન સાથે કબડ્ડી કોર્ટમાં ઉતરીને ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશું.

(4:58 pm IST)