Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મહોમંદ અઝહરુદ્દીનની હૈદરાબાદ ક્રિકેટ એસો.ના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી

પૂર્વ સુકાની અઝહર પર ભ્રષ્ટાચારનો મામલો : એસોસિએશન દ્વારા મેનેજિંગ કમિટીએ અઝહરને કારણ દર્શક નોટિસ, કેસની તપાસ પૂરી નથી થતી ત્યાં સુધી સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. ૧૭ : પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમંદ અઝહરુદ્દીનને મોટો ઝાટકો લાગ્યો છે.અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

એસોસિએશનની મેનેજિંગ કમિટીએ એક દિવસ પહેલા અઝહરને કારણ દર્શક નોટિસ ફટકારી હતી અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, જ્યાં સુધી તેમની સામેના ભ્રષ્ટાચારના મામલાની તપાસ પૂરી નથી થતી ત્યાં સુધી તેઓ સસ્પેન્ડેડ રહેશે.સાથે સાથે તેમનુ સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યુ છે.

નોટિસમાં તેમના પર મનમાની કરવાના, પોતાના હિતોના ટકરાવ અંગે જાણકારી નહીં આપવાના તેમજ ભ્રષ્ટાચારના પણ આરોપ મુકવામાં આવ્યા છે.સાથે સાથે કહેવામાં આવ્યુ છે કે, તમારી સામે સભ્યોની ફરિયાદો આવી હતી.તેના પર વિચાર કર્યા બાદ હવે તમને નોટિસ ફટકારવામાં આવી છે.તમે નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.જ્યાં સુધી આરોપોની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારુ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યુ છે.

અઝહરુદ્દીનને ૨૦૧૯માં એચસીએના પ્રમુખ બનાવાયા હતા.એ પછી તેઓ સતત વિવાદોમાં રહ્યા છે.હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિસેશનનો આક્ષેપ છે કે, અઝહર દુબઈની ખાનગી ક્રિકેટ ક્લબના સભ્ય હોવાનો ખુલાસો કર્યો નહોતો.આ ક્લબ જે ટુર્નામેન્ટમાં ભાગ લે છે તેને ભારતના ક્રિકેટ બોર્ડે માન્યતા આપી નથી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અઝહરે ટેસ્ટમાં ૨૨ અને વન ડે માં સાત સદીઓ ફઠકારી છે.૨૦૦૦ની સાલમાં તેમનુ નામ મેચ ફિક્સિંગમાં આવ્યુ હતુ અને તેમના પર લાઈફ ટાઈમ બેન મુકાયો હતો.જોકે ૨૦૨૧માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ બેન હટાવ્યો હતો પણ ત્યાં સુધીમાં અઝહરનુ ક્રિકેટ કેરિયર ખતમ થઈ ચુકયુ હતુ.

(8:06 pm IST)