Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

યુવા અને અનુભવી ખેલાડીઓનું કોમ્બીનેશન ટીમ ઈન્ડિયા માટે ફાયદારૂપ

જાડેજા અને અશ્વિનનો ટીમમાં સમાવેશ કરાશેઃ ગાવસ્કર

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. જે પૂર્વે સાઉથમ્પ્ટનમાં જબરજસ્ત ગરમી પડી રહી છે અને આ કારણે પીચ ધીમે ધીમે સુકાઈ જશે અને સ્પિનરોને મદદ મળશે. ભારત પરિસ્થિતિને જોતા અશ્વિન અને જાડેજા, એમ બંને સ્પિનરોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે તેમ  ક્રિકેટર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતુ.

ગાવસ્કરે જણાવ્યું કે, અશ્વિન અને જાડેજા માત્ર સ્પિનર્સ નથી. તેઓ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા પુરવાર કરી ચૂકયા છે. બંનેની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ મજબુત બનશે. તેની સાથે સાથે બોલિંગ આક્રમણ પણ વધુ ધારદાર બનશે. ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી રમાશે, ત્યારે પણ ટીમ કોમ્બિનેશન વાતાવરણ અને પીચની સ્થિતિને આધારે નકકી થશે.

ટીમ ઈન્ડિયામાં યુવા અને અનુભવી ખેલાડીઓનું અસરકારક કોમ્બિનેશન છે, જે ભારત માટે ફાયદાકારક રહેશે. ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડીઓ એવા છે કે, જેઓ અગાઉ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડી ચૂકયા છે. તેઓ અહીંની પીચ અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે અને આ જ બાબત ભારત માટે ફાયદાકારક સાબિત થશે.

(4:01 pm IST)