Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ

સળંગ પાંચ યુરો ચેમ્પિયનશિપમાં ગોલ કરનારો પણ રોનાલ્ડો પ્રથમ ફૂટબોલર બન્યો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલની સિદ્ધિ હાંસલ કરીને મંગળવારે રાત્રે રમાયેલી યુરો કપની મેચમાં હંગેરી સામે પોર્ટુગલને 3-0થી વિજય અપાવ્યો હતો. રોનાલ્ડોએ આ મેચમાં બે ગોલ નોંધાવ્યા હતા.

પોર્ટુગલ અને હંગેરી વચ્ચે રમાયેલી આ મેચનું મુખ્ય આકર્ષણ રોનાલ્ડોની સિદ્ધિ રહી હતી અને આ મેચમાં સ્ટેડિયમમાં પૂરી ક્ષમતા સાથે પ્રેક્ષકો હાજર રહ્યા હતા. મેચની 87મી મિનિટે રોનાલ્ડોએ પેનલ્ટી સ્પોટ પરથી ગોલ કર્યો હતો અને ત્યાર બાદ ઇન્જરી ટાઇમમાં વઘુ એક ગોલ નોંધાવતાં પોર્ટુગલનો આસાન વિજય થયો હતો.

આ વખતની યુરો ચેમ્પિયનશિપની પાંચમી મેચમાં રોનાલ્ડો ઉપરાંત પ્રેક્ષકો આકર્ષણરૂપ રહ્યા હતા કેમ કે કોરોનાની મહામારી બાદ હંગેરી એવો પ્રથમ દેશ બન્યો હતો જેણે પૂરી ક્ષમતા સાથે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપ્યો હતો. આમ પુકાસ એરેના ખાતેની આ મેચમાં 64,215 પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સિઝનમાં દસ દેશોમાં યુરો ચેમ્પિયનશિપની મેચો યોજાનારી છે અને તેમાં હંગેરી એકમાત્ર એવો દેશ છે જેણે સ્ટેડિયમની પૂરી ક્ષમતા ભરવાનો નિર્ણય લીધો છે. મોટા ભાગના હંગેરિયન પ્રેક્ષકોએ તેમની હાજરીની જાણ કરતા હોય તેમ સમગ્ર મેચ દરમિયાન ચિચિયારીઓ પાડી હતી. જોકે તેઓ રોનાલ્ડોએ રચેલા ઇતિહાસના સાક્ષી પણ બન્યા હતા.

યુવેન્ટસના ફોરવર્ડ રોનાલ્ડો માટે આ પાંચમી યુરો ચેમ્પિયનશિપ છે. 2004થી રમી રહેલા 36 વર્ષીય રોનાલ્ડોએ યુરો કપમાં માઇક પ્લાટિનીના નવ ગોલનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત સળંગ પાંચ યુરો ચેમ્પિયનશિપમાં ગોલ કરનારો પણ રોનાલ્ડો પ્રથમ ફૂટબોલર બન્યો હતો.

87મી મિનિટે વિલિ ઓર્બન દ્વારા રફા સિલ્વા ફાઉલ થતાં રેફરીએ પેનલ્ટી સ્પોટનો આદેશ આપ્યો હતો. રોનાલ્ડોએ આ તબક્કે ગોલ નોંધાવીને રેકોર્ડ પાર કર્યો હતો. અગાઉ પ્રથમ હાફમાં રોનાલ્ડો ગોલ કરવાની એક આસાન તક ચૂકી ગયો હતો.

ઇન્જરી ટાઇમ દરમિયાન રફા સિલ્વા સાથે મળીને રોનાલ્ડોએ બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડી દીધો હતો અને છેલ્લી ક્ષણે હંગેરીના ગોલકીપર પીટર ગુલાસીને મહાત આપીને તેણે બોલને આસાનીથી નેટમાં પહોંચાડી દીધો હતો.

અગાઉ પોર્ટુગલના ડિફેન્ડર રફેલ ગુરેરિયોએ મેચની ત્રીજી મિનિટે ગોલ કર્યો હતો.

(1:55 pm IST)