Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વિજયી ભવઃ... કાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મહામુકાબલો

દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત- ન્યુઝીલેન્ડ ફાઈનલ જંગ ઉપર રહેશે : કોહલી સેના બ્લેકકેપ્સને પછાડવા તૈયારઃ ચેમ્પિયન ટીમને મળશે પોણા બાર કરોડ અને ગદાઃ બપોરે ૩:૩૦ વાગ્યાથી મેચ

સાઉથમ્પ્ટનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મુકાબલાને આડે હવે એક જ દિવસ બાકી છે. ટીમ ઈન્ડિયા એકદમ મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી કેપ્ટન તરીકેની પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવા ઉત્સુક છે. બાયોબબલમાં રહીને ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેકટીસમાં ખાસ્સો એવો પરસેવો વહાવ્યો છે. દુનિયાભરના ક્રિેકેટપ્રેમીઓની નજર WTCના ફાઈનલ મુકાબલા ઉપર રહેશે. ચેમ્પિયન બનનાર ટીમેન આઈસીસી દ્વારા પોણા બાર કરોડની  અધધ... રકમ આપવામાં આવશે. તે સાથોસાથ ચેમ્પિયનશીપની ગદા પણ અપાશે.

કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાને હજુ કોઈ આઇસીસીની મેજર ટુર્નામેન્ટમાં સફળતા હાંસલ થઈ નથી. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ૨૦૧૭ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ હતી. કોહલીએ બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જબરજસ્ત સફળતાં હાસલ કરી છે. આ ઉપરાંત દ્વિપક્ષિય શ્રેણીઓમાં પણ ભારતીય ટીમનો વર્લ્ડ ચેમ્પિયનને છાજે તેવો દબદબો જોવા મળે છે. જોકે આઇસીસીની ટુર્નામેન્ટ્સમાં કોહલીની આગેવાની હેઠળની ટીમ ખાસ કમાલ દેખાડી શકી નથી.

વર્ષ ૨૦૧૯ના આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારતને ન્યૂઝિલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો હતો. વરસાદના વિઘ્નને કારણે બીજા દિવસે પુરી થયેલી મેચમાં ન્યૂઝિલેન્ડનો ફાસ્ટર હેનરી ભારત માટે ઘાતક સાબિત થયો હતો. ભારતીય ટીમ માર્ચ મહિનાથી એક પણ ટેસ્ટ રમ્યું નથી.

ન્યૂઝિલેન્ડની ટીમ મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં હારવા માટે બદનામ છે. છેલ્લા બે વર્લ્ડ કપથી રનર્સઅપ બનનારી ન્યૂઝિલેન્ડની ટીમને આ વખતે ચેમ્પિયન બનાવવાનું સ્વપ્ન વિલિયમસન અને તેના ખેલાડીઓ સેવી રહ્યા છે. તાજેતરમાં ઈંગ્લેન્ડને તેના જ હોમગ્રાઉન્ડ પર નાટકીય અંદાજમાં હરાવ્યા બાદ હવે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન તરીકેનો તાજ મેળવવાનો પ્રયાસ કરશે.

(12:54 pm IST)