Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

દાનિશ કનેરિયાએ દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર પર મોટો આરોપ લગાવ્યો

તેના લીધે વધુ ન રમી શક્યો

કરાંચી, તા. ૧૭ : પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પૂર્વ પાકિસ્તાન કેપ્ટન શાહિદ આફ્રિદી પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, શરૂઆતથી જ આફ્રિદી તેના વિરુદ્ધમાં હતો એ જાણી-જોઈને વન-ડે ટીમમાં વધુ તકો ન આપી. સાથે જ તેણે એમ કહ્યું કે, પાકિસ્તાન ટીમમાં ક્યારેય એક કેપ્ટન નથી હોતો. તેનું કહેવું છે કે, ટીમમાં કેપ્ટન તરીકે ઘણા લોકો નિર્ણય લે છે.

એક ઇન્ટરવ્યુમાં તેણે તે કેપ્ટનના નામનો ખુલાસો કર્યાે જે હંમેશા તેના વિરુદ્ધમાં રહ્યો. તેણે કહ્યું કે, 'શાહિદ આફ્રિદી શરૂઆતથી જ મારી વિરુદ્ધમાં હતો. તે મને વન-ડે ટીમમાં તક નહોતો આપતો અને જાણી જોઈને બહાર રાખતો હતો. આની અસર એ છે કે, મેં ૧૦ વર્ષના લાંબા કરિઅરમાં માત્ર ૧૬ જ વન-ડે રમી. આ હિસાબથી મેં દર વર્ષે સરેરાશ ૨-૩ જ વન-ડે રમી.' જણાવી દઈએ કે, આના પહેલા શોએબ અખ્તરે ખુલાસો કર્યાે કે, દાનિશથી કેટલાક સિનિયર ખેલાડીઓ ઇર્ષ્યા હતી અને તેઓ તેની સાથે જમવાનું પણ ટાળતા હતા.

તેણે આ દરમિયાન માન્યું કે, ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટ દરમિયાન ૨૦૦૯ના સ્પોટ ફિક્સિંગમાં તેની ભૂલ હતી. ૩૯ વર્ષીય ક્રિકેટરે કહ્યું, 'મને આજે આ વાતનો પસ્તાવો થાય છે કે જો મેં તે સમયે આની જાણકારી ઑફિશિયલ્સને આપી દીધી હોત તો આજે મારી આ હાલત ન હોત. મેં ભૂલ કરી. સજા ભોગવી રહ્યો છું. મારું ઈન્ટરનેશલન કરિયર ખતમ થઈ ગયું અને આજીવન પ્રતિબંધ પણ લાગી ગયો.

દાનિશે સૌથી સારા કેપ્ટન વિશે વાત કરતાં જણાવ્યું કે, મારા માટે સૌથી સારો કેપ્ટન ઇન્ઝી ભાઈ છે. તેમની કેપ્ટનશિપમાં મને તકો મળી. તે મારો ખૂબ સપોર્ટ કરતા હતાં. યુનુસખાન ભાઈ સાથે પણ આવું રહ્યું. તેમણે ક્યારેય મારો વિરોધ કર્યાે નથી. શોએબભાઈ પણ જાણે છે બધું. તે તો કેપ્ટનસ અને અધિકારીઓ સાથે જોડાયેલો હતો. ત્યારે જ તો તેણે આ વાતનો ખુલાસો કર્યાે હતો.

ઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયા તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, દાનિશ સાથે કેટલાક પાકિસ્તાની ક્રિકેટર્સ સારો વ્યવહાર કરતા નહોતા. તેના હિન્દુ હોવાને કારણે કેટલાક ક્રિકેટર્સ તેની સાથે ખાવાનું પણ નહોતા ખાતા. શોએબના આ નિવેદન બાદ ઘણા વિવાદ થયો હતો.

(11:35 am IST)