Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વર્લ્ડ કપનો દેશવાસીઓમાં જબરો ઉત્સાહ

ભારતમાંથી દરરોજ યુકેના વીઝા માટે ૩૫૦૦ અરજીઓ થાય છે : ૩૦ મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ૮૦,૦૦૦ જેટલા ભારતીયો ઇંગ્લેન્ડની મુસાફરી કરે એવી ધારણા

ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ જોવા માટે ભારતમાંથી દરરોજ ૩૫૦૦ દેશવાસીઓ યુકેના વીઝા માટે અરજી કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર એપ્રિલથી જુલાઈની પીક ટ્રાવેલ સીઝન દરમ્યાન વીઝા માટેની માગણી નવેમ્બરથી જાન્યુઆરીની પીક ઓફ વિન્ટર સીઝન કરતાં સામાન્યપણે ૧૦૦-૧૫૦ ટકા વધારે હોય છે. ગ્લોબલ ટૂરિઝમ કાઉન્સિલનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્યપણે દરરોજ યુકે માટે ૧૦૦૦ વીઝાની અરજી થતી હોય છે.

પીક સમરની સીઝન ધ્યાનમાં લઈએ તો ૨૫૦૦ જેટલી અરજીઓ થાય. જોકે સુપરસ્ટાર મહેન્દ્ર સિંહ ધોની હવે છેલ્લી વખત રમવાનો હોવાથી આ વીઝાની માગણી દૈનિક ધોરણે ૧૦૦૦થી ૧૫૦૦ જેટલી વધી છે.

બ્રિટિશ હાઈ કમિશનની એવી ધારણા છે કે ૩૦ મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ૮૦,૦૦૦ જેટલા ભારતીયો મુસાફરી કરશે. જોકે એ સામાન્ય વ્યવહારથી પણ વધુ છે. ઉનાળામાં મુસાફરીના મોસમી વધારાને કારણે તેમને મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. આ વર્ષે ક્રિકેટને કારણે આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જોકે વિશ્વમાંથી કેટલી માત્રામાં લોકો ઇંગ્લેન્ડ આવશે એની જાણ નથી, પરંતુ ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની ઘેલછા તેમ જ અન્ય પૂર્વીય અહેવાલો જોતાં સૌથી વધુ માત્રામાં ભારતીયો જ હશે એવી ધારણા પણ તેઓ સેવી રહ્યા છે.

યુકેની વીઝા સર્વિસ પાર્ટનર વીએફએસ ગ્લોબલે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૨,૦૦,૦૦૦ જેટલી વીઝાની પ્રક્રિયા કરી છે. વીઝા સર્વિસની ડોર સ્ટેપ ડિલિવરી માટેની માગ ૨૦૧૮માં ૧૪૪ ટકા જેટલી વધી છે અને આ ટ્રેન્ડ હજી ચાલી રહ્યો છે.

(1:29 pm IST)