Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કિંગ્સ ઇલેવન પંજાબની માત્ર ૩ રને હાર થતા ટીમનો સ્ટાર બેટ્સમેન રાહુલ અત્યંત ભાવુક થઇ ગયોઃ વીડિયો થયો વાયરલ

નવી દિલ્‍હીઃ આઇપીઅેલમાં બુધવારે રમાયેલ અત્‍યંત મહત્‍વની અેવી મુંબઇ ઇન્‍ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્‍ચે મેચમાં પંજાબની ટીમની માત્ર ૩ રને હાર થતા ટીમના સ્‍ટાર બેટ્સમેન રાહુલ અત્‍યંત ભાવુક થઇ ગયો હતો જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને ત્રણ રને હરાવી દીધી. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફમાં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. આ હાર બાદ પંજાબ માટે શાનદાર ઈનિંગ રમનારો ઓપનર કે એલ રાહુલ ખૂબ જ ભાવુક થઈ ગયો.

રાહુલે આ મેચમાં 60 બોલમાં 94 રનની જબરદસ્ત ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા પણ આમ છતા તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. તે બુમરાહની બોલિંગ એક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના પ્રયાસમાં કેચ આઉટ થઈ ગયો. રાહુલના આઉટ થતાની સાથે મુંબઈએ મેચમાં કમબેક કરી લીધું. આ હાર બાદ રાહુલ ખૂબ જ દુ:ખી થઈ ગયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ મેચમાં પંજાબે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાની નિર્ણય લીધો હતો. બેટિંગ માટે ઉતરેલી મુંબઈની ટીમે ફટાફટ ચાર વિકેટો ગુમાવી દીધી, બાદમાં પોલાર્ડે મહત્વના સમયે શાનદાર અર્ધ સદી ફટકારી. તેની આ ઈનિંગના સહારે મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 186 રનનો સ્કોર બનાવ્યો.

જીત માટે મળેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબ માટે કે એલ રાહુલ ફરી એકવાર હિટ સાબિત થયો. એક સમયે મુંબઈ પર IPLની બહાર થવાનો ભય તોળાઈ રહ્યો હતો. રાહુલ પંજાબને જીતાડવાના ઈરાદાથી જ રમી રહ્યો હતો. પણ મેચની છેલ્લી બે ઓવરમાં બાજી પલટાઈ ગઈ અને 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે રાહુલને આઉટ કરી મેચને મુંબઈની તરફેણમાં લાવી દીધી.

(5:59 pm IST)