Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કાલે આઇપીએલ ક્રિકેટ માટે ખેલાડીઓની હરરાજીઃ ગ્‍લેન મેક્‍સવેલ, એલેક્‍સ હેલ્‍સ, કિસ મોરિસ, ડેવિડ મલાન, હરભજનસિંહ, સ્‍ટીવ સ્‍મિથને લોટરી લાગવાની સંભાવના

નવી દિલ્હીઃ આઈપીએલ 2021ના મિની ઓક્શનમાં હવે એક દિવસ બાકી છે. આઈપીએલમાં વિશ્વભરના સ્ટાર ખેલાડીઓની બોલી લગાડવામાં આવશે. આઈપીએલમાં ક્રિકેટ જગતના સિતારાઓ રમવા માટે તૈયાર રહે છે. તેની પાછળનું કારણ તેને મળનાર પૈસા અને એક અલગ ઓળખ છે. તેવામાં બધાની નજર તે ખેલાડીઓ પર ટકેલી છે જેના ઉપર આ વર્ષે મોટી બોલી લાગી શકે છે. જાણો આ છ સ્ટાર ખેલાડી જેના ઉપર કાલે પૈસાનો વરસાદ થઈ શકે છે.  

ગ્લેન મેક્સવેલ પાછલી સીઝનમાં પંજાબ તરફથી રમ્યો અને ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયા તરફથી તેનું પ્રદર્શન સારૂ રહ્યુ છે. મેક્સવેલની ગણના પાવર હિટર ખેલાડીઓમાં થાય છે અને તેની બેટિંગ ક્ષમતા પર કોઈને શંકા નથી. આ સીઝનમાં પણ ટીમો મેક્સવેલને મોટી રકમ આપીને ખરીદી શકે છે.

ટી20ના સૌથી નિષ્ણાંત બેટ્સમેનોમાંથી એક એલેક્સ હેલ્સ અત્યાર સુદી આઈપીએલમાં માત્ર છ મેચ રમ્યો છે. તે 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો સભ્ય હતો. હાલમાં સમાપ્ત થયેલ બિગ બેશ માં હેલ્સે સૌથી વધુ 543 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેલ્સે એક શાનદાર સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. આઈપીએલ 2021ના ઓક્શનમાં બધી ટીમો હેલ્સ પર મોટી બોલી લગાવવા તૈયાર હશે, કારણ કે આ ઇંગ્લિશ સ્ટાર એક મેચ વિનર છે.

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલ 2020માં આરસીબીનો ભાગ હતો અને હવે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. મોરિસ એક શાનદાર ઓલરાઉન્ડર છે. આ વર્ષે પણ ટીમ તેના પર મોટી બોલી લગાવી શકે છે.

40 વર્ષીય હરભજન સિંહ વર્ષ 2020માં અંતગ કારણોસર ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સએ તેને રિલીઝ કરી દીધો હતો. ભારતના સૌથી દિગ્ગજ સ્પિનરોમાંથી એક હરભજને અત્યાર સુધી આઈપીએલમાં 160 મેચ રમી છે, જેમાં તેણે 150 વિકેટ ઝડપી છે.

આઈપીએલ ઓક્શન 2021ના સમયે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ પર ઉંચી બોલી લાગી શકે છે. હાલમાં રાજસ્થાન રોયલ્સે તેને રિલીઝ કરી દીધો છે. આ સમયે સ્મિથ શાનદાર ફોર્મમાં છે અને આરસીબી જેવી ટીમોને આવા ખેલાડીની જરૂર છે. સ્મિથને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી વચ્ચે જંગ જોવા મળી શકે છે.

આ ચોંકાવનારી વાત છે કે વિશ્વના હાલના નંબર 1 ટી20 બેટ્સમેન ડેવિડ મલાન અત્યાર સુધી આઈપીએલમાં રમ્યો નથી. મલાન હાલના સમયમાં ક્રિકેટના નાના ફોર્મેટનો સૌથી શાનદાર ખેલાડી છે. 19 ટી20 મેચમાં મલાનના નામે 53ની એવરેજથી 855 રન છે. આ વખતે તેને ખરીદવા માટે ટીમો વચ્ચે હોડ લાગી શકે છે.  

(5:21 pm IST)