Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભારત આ વર્ષે ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશેઃ બીસીસીઆઇના સુત્રો દ્વારા જાણકારી અપાઇ

નવી દિલ્હીઃ ભારત આ વર્ષે થનારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમશે. બીસીસીઆઈના સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, તેની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું, 'ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન દિવસ-રાત્રી ટેસ્ટ મેચ રમવાની સંભાવના છે.'

ભારતે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ પાછલા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડનમાં રમી હતી અને તે મુકાબલામાં આસાન જીત મેળવી હતી. પાછલા મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ જમીન પર ત્રણ મેચોની એકદિવસીય સિરીઝની પહેલા કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવા પર સહમતી વ્યક્ત કરી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે મીડિયાની સામે સ્પષ્ટ કહી દીધું કે, 'ભારત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.'

ત્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું, 'અમે પડકાર માટે તૈયાર છીએ- પછી તે ગાબા હોય કે એમસીજી... તે અમારા માટે મહત્વ રાખતું નથી. તે કોઈપણ ટેસ્ટ સિરીઝનો ખુબ રોમાંચક ભાગ બની ગયું છે અને અમે દિવસ-રાત્રી ટેસ્ટ રમવા માટે તૈયાર છીએ.'

ભારતે 2018-2019માં એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમવાની ઓસ્ટ્રેલિયાની વિનંતીને ઠુકરાવી દીધી હતી અને ત્યારબાદ અનુભવની કમીનો હવાલો આપ્યો હતો.

(4:10 pm IST)