Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભારતનો લેજન્ડરી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ કારકિર્દીની અંતિમ મેચ રમ્યા બાદ ભાવુક બન્યો

૪૬ વર્ષીય પેસના સન્માન સમારંભમાં દિગજજ ખેલાડીઓની હાજરી

નવી દિલ્હીઃ ભારતનો લેજન્ડરી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભારતની ભૂમિ પર કારકિર્દીની અંતિમ મેચ રમ્યા બાદ ભાવુક બન્યો હતો. પેસ અગાઉ જાહેરાત કરી ચૂકયો છે કે, આ સિઝન તેની પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકેની આખરી સિઝન છે.

બેંગાલુરૂ ટેનિસ ઓપનમાં તે ઓસ્ટ્રેલિયાના માઈકલ એબ્ડન સાથે જોડી બનાવીને ઉતર્યો હતો અને તેમની બિનક્રમાંકિત જોડી સેમિ ફાઈનલમાં બીજો સીડ ધરાવતા ઈઝરાઈલના ઈર્લિચ અને બેલારુસના વાસિલેવસ્કીને ૬-૪, ૩-૬, ૧૦-૮થી હરાવીને ફાઈનલમાં પ્રવેશી હતી. જોકે ફાઈનલમાં તેમનો ભારતના જ પુરવ રાજા અને રામકુમાર રામનાથન સામે ૬-૦, ૬-૩થી પરાજય થયો હતો.આ મેચ પછી પેસનું સન્માન કરવામાં આવ્યું હતુ.

૪૬ વર્ષીય પેસના સન્માન સમારંભમાં પૂર્વ હોકી ખેલાડી જુડ ફેલિકસ, વી.આર. રદ્યુનાથ, અર્જુન હલપ્પા, ભૂતપૂર્વ એથ્લીટ અશ્વિની નાચપ્પા, ડેવિસ કપ ખેલાડી પ્રહ્લાદ શ્રીનાથ, ભૂતપૂર્વ સ્વિમર રેશ્મા અને નિશા મિલેત, ભૂતપૂર્વ હેપ્ટાથ્લોન એથ્લીટ પ્રેમિલા ઐયપ્પા અને ભૂતપૂર્વ લોંગ જમ્પ ખેલાડી રીથ અબ્રાહમ ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)