Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ન્યુઝીલેન્ડ સામેની વૉર્મઅપ મેચ ડ્રૉ: મયંક-ઋષભની ધૂંઆધાર બેટિંગ

ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ આગવું ફોર્મ મેળવતા ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો

ન્યૂઝીલેન્ડ ઈલેવન સામેની ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના ત્રીજા અને આખરી દિવસે ભારતીય ઓપનર મયંક અગ્રવાલ (૮૧) અને મીડલ ઓર્ડર બેટ્સમેન રિષભ પંતે (૭૦)  ધુંઆધાર બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૮ રનની સરસાઈ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં ચાર વિકેટે ૨૫૨નો સ્કોર કર્યો હતો અને મેચ ડ્રો થઈ હતી. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ આગવું ફોર્મ મેળવતા ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.

હેમિલ્ટનમાં રમાયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાંઆખરી દિવસે ન્યૂઝીલેન્ડ ઈલેવને કુલ નવ બોલરોને અજમાવ્યા હતા. જોકે તેમાંથી એકમાત્ર કેપ્ટન ડેરૈલ મિચેલ સફળ રહ્યો હતો, જેણે ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગ ૨૬૩ રનમાં સમેટાઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડ ઈલેવન પ્રથમ ઈનિંગમાં ૨૩૫માં ખખડી ગયું હતુ.

ભારતે તેની બીજી ઈનિંગને પ્રેક્ટિસ મેચના ત્રીજા અને આખરી દિવસે સવારે વિના વિકેટે ૫૯ના સ્કોરથી આગળ ધપાવી હતી અને વધુ ૪૧ ઓવરની રમતમાં વધુ ૧૯૩ રન ઊમેરતાં ચાર વિકેટ ગુમાવી હતી. ઓપનર પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ વચ્ચે ૭૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. પૃથ્વી શૉ ૩૯ રને મિચેલનો શિકાર બન્યો હતો. ગિલ તેને મળેલી બીજી તક પણ ઝડપી શક્યો નહતો અને માત્ર ૮ રનના સ્કોર પર પેવેલિયનમાં પરત ફર્યો હતો.

બેટીંગમાં અગ્રતાક્રમ મેળવનારા યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે પણ જવાબદારી સાથે બેટીંગ કરી હતી. બંનેએ ૧૦૦ રનની ભાગીદારી કરતાં ટીમને સ્થિરતા આપી હતી. અગ્રવાલ ૯૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૮૧ રને રિટાયર્ડ થયો હતો. જ્યારે પંત ૬૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૦ રને મિચેલનો ત્રીજો શિકાર બન્યો હતો. સાહા ૩૦ અને અશ્વિન ૧૬ રને નોટઆઉટ રહ્યા હતા.

(11:08 am IST)