Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કોહલીએ માત્ર ૨૦૦ ઈનીંગમાં ૯૫૦૦ રન પૂરા કર્યા

ભારતે આફ્રિકાને ૫-૧થી રગદોળી નાખ્યુ : કાલે પ્રથમ ટી-૨૦: વિરાટ (૧૨૯ રન)ની સદી સાથે મેન ઓફ ધ મેચ સાથે મેન ઓફ ધ સિરીઝ : સિરીઝમાં ૫૦૦થી વધુ રન ફટકાર્યા

બોલરોના વેધક પ્રદર્શન બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ફટકારેલા નોટઆઉટ ૧૨૯ રનને કારણે ભારતે સેન્ચુરીયનમાં રમાયેલી છઠ્ઠી અને છેલ્લી વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે ૮ વિકેટથી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે આ સીરીઝ ૫-૧થી જીતી લીધી હતી. કોહલીએ આ સીરીઝમાં ૯૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને બે સિકસરની મદદથી ૧૨૯ રન કર્યા હતા. કોહલીની કરીઅરની ૩૫મી સદી હતી. તેણે આ સીરીઝમાં આ ત્રીજી સદી ફટકારી હતી. ૨૦૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ પહેલા શિખર ધવન (૧૫) સાથે ૬૧ રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ તેણે અને અજીંકય રહાણેએ (નોટઆઉટ ૩૪) વધુ વિકેટ પડવા નહોતી દીધી તેમજ ભારતને ૫-૧થી સીરીઝ જીતાડી હતી. કોહલીએ આ સીરીઝમાં કુલ ૫૫૮ રન બનાવ્યા હતા. કોહલીને પોતાના પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

 

છ મેચની વન-ડે સીરીઝની છેલ્લી મેચમાં પણ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યુ હતું. આ સિરીઝમાં પોતાની પહેલી જ મેચ રમતા મુંબઈના યુવા ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લેતા સાઉથ આફ્રિકાને સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં માત્ર ૨૦૪ રન જ કરવા દીધા હતા. જશપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે ૨-૨ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારને બદલે ટીમમાં સ્થાન પામેલા શાર્દુલે ૮.૫ ઓવરમાં બાવન રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

 

સૌથી ઝડપી ૯૫૦૦ રન

કોહલીએ માત્ર ૨૦૦ ઈનિંગ્સમાં જ ૯૫૦૦ રન કર્યા છે. જે એ.બી. ડિવિલિયર્સ કરતા ૧૫ ઈનિંગ્સ ઓછી છે. સૌરવ ગાંગુલીએ (૨૪૬), સચિન તેન્ડુલકરે (૨૪૭) અને મહેન્દ્રસિંહ ધોનીએ (૨૫૬) આટલી ઈનિંગ્સ ૯૫૦૦ રન કરવા માટે લીધી હતી.

 

(12:11 am IST)