Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ભારતની ટેનીસ સ્‍ટાર સાનિયા મિર્ઝાની માતા બન્‍યા બાદ શાનદાર વાપસીઃ પહેલી ઇન્‍ટરનેશનલ ટૂર્નામેન્‍ટસની ફાઇનલમાં

હોબાર્ટઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ માતા બન્યા બાદ શાનદાર વાપસી કરતા પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટના ડબલ્સના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

સાનિયાએ સેમિફાઇનલ મુકાબલામાં ચેક રિપબ્લિકની મેરી બુજકોવા અને સ્લોવેનિયાની તમારા જિદાનેસ્કને સીધા સેટમાં 7-6(3), 6-2થી પરાજય આપ્યો હતો. આ મુકાબલામાં સાનિયા મિર્ઝા યૂક્રેનની નાદિયા કિચેનોકની સાથે જોડી બનાવીને ઉતરી છે. સાનિયા-નાદિયાની જોડીને ટૂર્નામેન્ટમાં પાંચમી વરીયતા મળી છે.

સાનિયા અને કિચેનોકને સેમિફાઇનલમાં સ્લોવેનિયાની તમારા જિદાનેસ્ક અને રિપબ્લિકની મેરી બુજકોવાને હરાવવામાં 1 કલાક 24 મિનિટનો સમય લાગ્યો હતો. બંન્નેને 15 બ્રેક પોઈન્ટ મળ્યા અને તેમાંથી ચારને જીતવામાં તે સફળ રહી હતી. તેની સર્વિસ માત્ર બે વાર બ્રેક થઈ, જેથી તે સીધા સેટમાં જીત હાસિલ કરવામાં સફળ રહી હતી.

સાનિયા અને નાદિયાની જોડીએ આ પહેલા સાનિયા-નાદિયાએ આ પહેલા જોર્જિયાની ઓકસાના કે અને જાપાનની મિયૂ કાટોને 2-6, 7-6 (3), 10-3થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં સાનિયાનો મુકાબલો ચીનની જાન શુઆઈ અને પેંગ શુઆઈની જોડી સામે થશે.

સાનિયા મિર્ઝાએ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરી છે. તે શરૂઆતમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે રમી શકી ન હતી. ત્યારબાદ ઓક્ટોબર 2018માં માતા બનવાને કારણે તેણે બ્રેક લીધો હતો.

(4:44 pm IST)