Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરર સતત ૨૦મા વર્ષે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

નવી દિલ્હી: ગત ચેમ્પિયન રોજર ફેડરરે બ્રિટનના ડેન ઇવાન્સને પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ફેડરર સતત ૨૦મા વર્ષે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે પરંતુ તેને ઇવાન્સ સામેના મુકાબલામાં ૭-૬, ૭-૬, ૬-૩થી જીત મેળવવા માં ઘણી મહેનત કરવી પડી હતી. ૨૦ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરર મેલબર્નમાં રેકોર્ડ સાતમું અને સતત ત્રીજું ટાઇટલ જીતવાના ઇરાદે પહોંચ્યો છે. તેણે પ્રથમ રાઉન્ડમાં ડેનિસ ઇસ્ટોમિનને પરાજય આપ્યો પરંતુ બીજા રાઉન્ડમાં ભારે મહેનત કરવી પડી હતી. ત્રીજા રાઉન્ડમાં રોજર ફેડરરનો સામનો બિનક્રમાંકિત અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ સામે થશે. ફ્રિટ્ઝે બીજા રાઉન્ડમાં ફ્રાન્સના જાઇલ્સ મોનફિલ્સને ચાર સેટ સુધી ચાલેલી મેચમં ૬-૩, ૬-૭, ૭-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો.વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતા રફેલ નડાલે પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. નડાલે બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડેનને ૬-૩, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં નડાલનો સામનો ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનાઉર સામે થશે. મનાઉરે બીજા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડના ક્વોલિફાયર ખેલાડી હેનરી લાકસોનેનને ૬-૪, ૬-૨, ૬-૭, ૪-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. છઠ્ઠા ક્રમાંકિત ક્રોએશિયાના મારિન સિલિચને અમેરિકાના મેકેન્જી મેકડોનાલ્ડને ૭-૫, ૬-૭, ૬-૪, ૬-૪થી હાર આપી હતી. ગ્રીસના સ્ટેફાનોસ સિસિપાસે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. સિસિપાસે બીજા રાઉન્ડમાં ર્સિબયાના વિક્ટર ટ્રોઇકીને ૬-૩, ૨-૬, ૬-૨, ૭-૫થી હાર આપી પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો નિકોલોઝ બાસિલાસ્વિલી સામે થશે. બાસિલાશ્વિલીએ બીજા રાઉન્ડમાં ઇટાલીના સ્ટેફાનો ટ્રાવેંગ્લિયાને ૩-૬, ૬-૩, ૩-૬, ૬-૪, ૬-૩થી હાર આપી હતી.

 

 

(5:09 pm IST)