Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બરોડાને બાય-બાય કરી દેવા માગે છે ઇરફાન પઠાણ

રણજીમાં માત્ર બે જ મેચમાં રમાડયો અને મુશ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ માટે પણ ટીમમાં સ્થાન ન મળતા બીજી ટીમમાંથી રમવા માગે છે આ અલોરાઉન્ડર

બરોડા : કેપ્ટન્સીથી હટાવ્યા બાદ ભારતીય ટીમના ક્રિકેટર રહી ચૂકેલા ઇરફાન પઠાણે બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (NOC) માગ્યું છે. છેલ્લા ૧૭ વર્ષથી બરોડાની ટીમ તરફથી રમતા ઇરફાનને આ વખતની રણજી સીઝનમાં માત્ર કેટલીક મેચમાં જ રમવાની તક મળી હતી.

સીઝનની શરૂઆતમાં તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ બે મેચ બાદ તેને કેપ્ટનપદેથી હટાવવા ઉપરાંત ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌથી અનુભવી ક્રિકેટર હોવા છતા તેને સૈયદ મુશ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટમાં પણ ટીમમાં સ્થાન નહોતું મળ્યું. એથી ઇરફાને બરોડા ક્રિકેટ એસોસિએશનને અન્ય ટીમ તરફથી રમવા માટે NOC આપવાની વિનંતી કરી છે.

કેટલીક ડોમેસ્ટિક ટીમોએ ઇરફાનનો સંપર્ક કર્યો છે. તેઓ ઇરફાનનો ટીમમાં સમાવેશ કરવા ઉપરાંત તેને નવા ખેલાડીઓને તૈયાર કરવાની જવાબદારી સોંપવા માગે છે. એથી જ ઇરફાન NOC માગી રહ્યો છે. ઇરફાનને ખબર છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નવી ટીમો માટે ઘણો સારો સાબિત થશે.

(4:11 pm IST)