Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ટીમ ઇન્ડિયા આફ્રિકા જવા રવાના, બીસીસીઆઇએ ફોટા ટવીટરમાં શેર કર્યા, પણ તેમાં વિરાટ નથી

હજુ કંઇક સખળ-ડખળ તો છે જ

 નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) વચ્ચે કંઇક તો સખળ-ડખળ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તેમાંથી મોટાભાગની બાબતો બીસીસીઆઈના દાવાથી તદ્દન વિરુદ્ધ હતી. વિરાટે કેપ્ટનશીપના વિવાદને લઈને પહેલીવાર મૌન તોડ્યું અને તેની સાથે જ BCCI પણ ખુલ્લું પડતું જોવા મળ્યું. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થઈ રહેલા ખેલાડીઓનો ફોટો બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેમાં વિરાટ દેખાતો નથી, જેના કારણે પ્રશંસકો ગુસ્સે થયા છે. ચાહકોએ કહ્યું કે જાણી જોઈને બીસીસીઆઈએ વિરાટનો ફોટો શેર કર્યો નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટેસ્ટ ટીમ આજે વહેલી સવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ હતી. આ દરમિયાન ક્રિકેટરોનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો. વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ટીમ બસમાં એરપોર્ટ પહોંચ્યો હતો. આ પછી BCCIએ એક ફોટો શેર કર્યો, જેમાં ટીમના જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ તસવીરોમાં જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલ જોવા મળ્યા હતા, પરંતુ વિરાટનો એક પણ ફોટો અહીં શેર કરવામાં આવ્યો નથી.

(2:58 pm IST)