Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

એટીપી ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં મરિન સિલીકે

નવી દિલ્હી:ક્રોએશિયાના મરિન સિલીકે ભારે સંઘર્ષ બાદ ૬-૭ (૨-૭), ૬-૩, ૬-૪થી અમેરિકાના જોન આઇસનેરને હરાવીને એટીપી ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. સિલીકને પ્રથમ મેચમાં ઝ્વેરેવે હરાવ્યો હતો. હવે ગૂ્રપ સ્ટેજમાં તેનો આખરી મુકાબલો ઈન ફોર્મ વર્લ્ડ નંબર વન યોકોવિચ સામે છે.સિલીકે સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે તેની આખરી મેચમાં જીત મેળવવી જ પડશે. સિલીક માટે એટીપી ફાઈનલ્સમાં મેળવેલો વિજય એટલા માટે યાદગાર બન્યો હતો કારણ કે અગાઉ તે આ ટુર્નામેન્ટમાં ગણતરીની મેચોમાં જ સફળતા હાંસલ કરી શક્યો છે. સિલીકના વિજયની સાથે યોકોવિચે ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જ્યારે બીજા સ્થાન માટે સિલીકની સાથે ઝ્વેરેવ અને આઇસનેર વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. દરમિયાનમાં ઓસ્ટ્રિયાના ડોમિનીક થિએમે પણ અંતિમ ચારમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખતાં ૬-૧, ૬-૪થી જાપાનના નિશિકોરીને હરાવ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં આઠમું સ્થાન ધરાવતા થિએમને અગાઉની તેની બંને મેચોમા ફેડરર અને એન્ડરસન સામે સીધા સેટોમાં હારનો સામનો કરવો પડયો હતો. જોકે હવે બધો મદાર એન્ડરસન અને ફેડરર વચ્ચેના મુકાબલા પર ટકેલી છે. જો એન્ડરસન સામેની મેચમાં ફેડરર એક સેટ પણ જીતશે તો તે સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દેશે.જોકે સાઉથ આફ્રિકન ટેનિસ સ્ટાર એન્ડરસન ફેડરરને સીધા સેટોમાં હરાવશે તો ફેડરર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. જ્યારે એન્ડરસનની સાથે થિએમ અંતિમ ચારમાં પ્રવેશ મેળવી લેશે. એટીપી સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટમાં આવતીકાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી આઇસનેર અને ઝ્વેરેવ વચ્ચે મુકાબલો ખેલાશે. જ્યારે આવતીકાલે મધરાત બાદ સિલીક અને યોકોવિચ આમને-સામને ટકરાશે. 

(3:54 pm IST)