Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દિનેશ કાર્તિકે કોલકતા નાઈટ રાઇડર્સનું સુકાનીપદ છોડ્યું : કેપ્ટનશીપ ઇયોન મોર્ગનને સોંપવા નિર્ણય

વર્તમાન સીઝનમાં કોલકાતાની ટીમ 7માંથી 4 મેચ જીતી :પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે

નવી દિલ્હી:દિનેશ કાર્તિકે  કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની કેપ્ટનશીપ ઇયોન મોર્ગનને સોંપવાનો નિર્ણય કર્યો છે. KKRની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ કાર્તિકે ટીમ મેનેજમેન્ટને જણાવ્યું છે કે તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. ટીમના અત્યાર સુધીના ખરાબ પ્રદર્શનના કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનનીપની ટીકા થઇ રહી હતી.

KKRના CEO વેંકી મૈસુરે આ મામલે જણાવ્યું કે  અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે ડીકે જેવા લીડર છીએ, જે હંમેશા ટીમને પહેલા રાખે છે. તેના જેવો નિર્ણય લેવા માટે કોઇ પણ વ્યક્તિને સાહસ જોઇએ. અમે તેના નિર્ણયથી ચકિત હતા, પરંતુ અમે તેના નિર્ણયનો સન્માન કરીએ છીએ.

વર્તમાન સીઝનમાં કોલકાતાની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે છે. તેણે અત્યાર સુધી 7માંથી 4 મેચ જીતી છે. શુક્રવારે KKR તેની 8મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે.35 વર્ષના દિનેશ કાર્તિકે  અત્યાર સુધી 7 મેચમાં 15.42ના એવરેજ સાથે એક અડધી સદીની મદદથી 108 રન બનાવ્યા છે. તેની બેટિંગમાં સાતત્યતા. નથી દેખાઇ. સાથે જ કેપ્ટન તરીકે તેના નિર્ણય પર પણ આંગળી ચિંધાઇ રહી છે.

KKRની સૌથી મોટી મુશ્કેલી તેની બેટિંગ છે. ટીમ પાસે સારા બેટ્સમેન તો છે પણ તેમની બેટિંગમાં સાતત્યતા જોવા નથી મળી રહી. આન્દ્રે રસેલનો ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. રસેલે અત્યાર સુધી 7 મેચમાં માત્ર 73 રન કર્યા છે.

કોલકાતા પાસે એવા બેટ્સમેન છે જે કોઇ પણ ટીમની બોલિંગ સામે આક્રમક રમત રમી શકે છે. તેમાં યુવા શુભમન ગિલ, ઇયોન મોર્ગન, નિતીશ રાણા, આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિક પ્રમુખ છે, પરંતુ કેટલીક મેચોને બાદ કરતા તેઓ સતત લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. હવે 34 વર્ષના મોર્ગન પાસે ટીમની નૈયા પાર લગાવવાની જવાબદારી છે.

(7:02 pm IST)