Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જે રીતે સૌરવે અત્યાર સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે તેવી રીતે આગળ પણ બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે કરતો રહેશેઃ સચિન તેંડુલકરે શૂભેચ્‍છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ નક્કી થયા બાદથી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને શુભેચ્છાઓ મળી રહી છે. તેમા સામેલ થતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જે રીતે સૌરવે અત્યાર સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે, તે આગળ પણ બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે આમ કરતો રહેશે.

ઘણા લાંબા સમય સુધી પોતાની સાથે ઓપનિંગ બેટિંગ કરનાર સચિને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. આ સંદેશમાં તેંડુલકરે સૌરવને દાદી કહીને સંબોધિત કર્યો છે. સચિન પહેલા જ તેનો ખુલાસો કરી ચુક્યો છે કે જ્યારે ટીમ સૌરવને દાદા કહેતી હતી ત્યારે તે તેને દાદી કહીને બોલાવતો હતો. સચિને મંગળવારે ટ્વીટ કરીને સૌરવને પોતાની નવી ઈનિંગ માટે શુભેચ્છા આપી છે.

સચિને પોતાના ટ્વીટમાં કહ્યું, 'બીસીસીઆઈ અધ્યક્ષ ચૂંટાવા પર 'દાદી'ને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તમે જે રીતે ભારતીય ક્રિકેટની સેવા કરી છે, તેમ આગળ પણ કરશો. નવી ટીમને શુભેચ્છાઓ.'

સચિન અને ગાંગુલીના નામે ભાગીદારીઓના ઘણા રેકોર્ડ છે. બંન્નેના નામે વનડેમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. બંન્નેએ 136 ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું છે, જેમાં તેણે 6609 રન બનાવ્યા છે. તેમાં 21 સદી અને 23 અડધી સદી સામેલ છે.

ગાંગુલીએ સોમવારે બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી હતી. આ પદ માટે ઉમેદવારી કરનાર તે એકમાત્ર વ્યક્તિ રહ્યો, જેથી તેનું 23 ઓક્ટોબરે બિનહરીફ થવું નક્કી છે. તે એક વર્ષ કરતા પણ ઓછા સમય માટે બીસીસીઆઈના અધ્યક્ષ રહેશે. સપ્ટેમ્બર 2020મા તેનો કુલિંગ પીરિયડ શરૂ થશે કારણ કે તે છેલ્લા પાંચ વર્ષથી સીએબીના અધ્યક્ષ છે.

(4:49 pm IST)