Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રોનાલ્ડો ૭૦૦ ગોલ કરનાર છઠ્ઠો ફુટબોલર બન્યો

યુક્રેનઃ યુરો ૨૦૨૦ના કવોલિફાયર મુકાબલામાં યુક્રેને પોર્ટુગલને ૨- ૧થી હરાવ્યંુ હતું. આ મેચમાં પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૭૨મી મિનિટે પેનલ્ટીમાં કન્વર્ટ કરીને કર્યો હતો. આ તેની કરીઅરનો ૭૦૦મો ગોલ હતો. આ આંકડા સુધી પહોંચનાર દુનિયાનો તે છઠ્ઠો પ્લેયર બન્યો છે.

રોનાલ્ડોએ આ સિદ્ધિ ૯૭૩મી (ઘરેલુ, કલબ અને ઈન્ટરનેશનલ) મેચમાં મેળવી છે. તેના પહેલાં ફુટબોલ ઈતિહાસમાં ચેક ઓસ્ટ્રિયન જોસેફ બાઈકન કરીઅરમાં ૮૦૫ ગોલ સાથે પ્રથમ સ્થાને છે. બાઈકન ઉપરાંત રોમારિયો, પેલે, ફેરેન્સ પુસ્કસ અને જર્મનીના ગેર્ડ મ્યુલર અનુક્રમે ૭૭૨, ૭૬૭, ૭૪૬ અને ૭૩૫ ગોલ કરી ચૂકયા છે.

રોનાલ્ડોએ કરીઅરના ૪૪૪ ગોલ જમણા પગે કર્યા છે. એ સિવાય ૧૨૬ ગોલ ડાબા પગે, બે ગોલ ચેસ્ટથી અને ૧૨૮ ગોલ માથા વડે કર્યા છે.

રોનાલ્ડોએ પોતાની ૧૭ વર્ષની કરીઅરમાં ૯૫ ગોલ પોર્ટુગલ માટે કર્યા છે. એ સિવાય વિવિધ કલબ માટે ૬૦૫ ગોલ કર્યા છે. તેણે સૌથી વધુ ૪૫૦ ગોલ રિયલ મેડ્રિડ માટે કર્યા છે. એ ઉપરાંત ૧૧૮ ગોલ મેન્ચેસ્ટર યુનાઈટેડ, ૩૨ ગોલ યુવેન્ટ્સ અને પાંચ ગોલ સ્પોર્ટિંગ કલબ ઓફ પોર્ટુગલ માટે કર્યા છે.

(4:05 pm IST)