Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ભારતીય ટીમે ડેવિસ કપ રમવા જવું પડશે પાકિસ્તાન : AITA શરૂ કરશે વીઝા પ્રક્રિયા

પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓની સલામતિની સમસ્યા હજુ યથાવત્

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) ભારતીય ટેનિસ ટીમને ડેવિસ કપ ટાઈ રમવા પાકિસ્તાન મોકલે તેવી સંભાવના છે. ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અને અન્ય ઓફિસિઅલ્સ માટે પાકિસ્તાનના વિઝા લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવાનો નિર્ણય એઆઇટીએના અધિકારીઓએ લીધો છે.

પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓની સલામતિની સમસ્યા હજુ યથાવત્ છે. મોટાભાગના ખેલાડીઓ પાકિસ્તાન જવા માટે પણ તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન આગામી દિવસમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)માં રજુઆત કરવાનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈ જે ઈસ્લામાબાદમાં ૨૯ અને ૩૦ નવેમ્બરે રમાવાની છે, તે અન્યત્ર ખસેડવામાં આવે.

જો આઇટીએફ ભારતની વિનંતીને ઠુકરાવી દે તો ડેવિસ કપના એલિટ ગૂ્રપમાં આગેકૂચ કરવા માટે ભારતે મને-કમને પણ પાકિસ્તાન જવું પડે તેમ છે. આઇટીએફના ઈનકાર બાદ ભારતીય ટેનિસને ફટકો ન પડે તે માટે એઆઇટીએ દ્વારા ટીમના વિઝા માટેની પ્રક્રિયા શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે.

એઆઇટીએના સૂત્રોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, અમે કોઈ પણ ખેલાડીને પાકિસ્તાન જવાની ફરજ પાડવાના નથી. જો નિષ્પક્ષ સ્થળે મેચો રમાય તો બધા ભારતીય ખેલાડીઓ ભાગ લેવા માટે તૈયાર છે, પણ મોટાભાગના ટોચના સ્ટાર્સ પાકિસ્તાન જવા તૈયાર ન હોવાનું મનાય છે.

(11:34 am IST)