Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

BCCIના સીઈઓ રાહુલ જૌહરી અંતે રજા પર ઉતર્યા

સાત દિવસમાં ખુલાસો કરવા રાહુલને હુકમ :મી ટુમાં ફસાયેલા બીસીસીઆઈના સીઈઓ મુશ્કેલીમાં

મુંબઈ, તા. ૧૬ : એક વણઓળખાયેલી મહિલા લેખક દ્વારા જાતિય સતામણીના આક્ષેપમાં ફસાયેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી રાહુલ જૌહરી હવે રજા ઉપર ઉતરી ગયા છે. આ ગાળા દરમિયાન તેઓએ વહીવટીકારોની સમિતિએ તેમના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં સ્પષ્ટતા કરવા એક સપ્તાહનો સમય માંગ્યો છે. જૌહરી પર એક ટ્વિટર હેન્ડલ પર એક અન્ય મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રના સ્ક્રીનસ્લોટ જારી કરવામાં આવ્યા છે જેમાં જૌહરી પર ૧૧ મહિલા લેખક સાથે જાતિય સતામણીના આક્ષેપ મુકવામાં આવ્યા છે. આ બાબતની ગંભીર નોંધ લઇને સીઓએ દ્વારા જૌહરી પાસેથી આક્ષેપોની સફાઈ આપવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો જૌહરી હાલના સમયમાં રજા ઉપર જઈ રહ્યા છે. બીજી બાજુ પોતાના જવાબ પણ રજૂ કરવા જઇ રહ્યા છે. બીસીસીઆઈના કામકાજ સીઈઓના અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરી રહ્યું છે. જૌહરીએ સીઓએને અપીલ કરી હતી કે, તેઓ સિંગાપોરમાં આ સપ્તાહના અંતમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં ભાગ લઇ શકશે નહીં. સીઓએ જૌહરીની ગેરહાજરીમાં બીસીસીઆઈના કામકાજ માટે ઓપરેશન ટીમ ઉપર આધાર રાખશે. સીઓએના ચેરમેન વિનોદ રાયે કહ્યું છે કે, અમે આ મુદ્દાને ધીમે ધીમે આગળ વધવા દેવા ઇચ્છુક નથી. જૌહરીને સાત દિવસનો સમય આપ્યો છે. પોતાના ઉપર મુકાયેલા આક્ષેપોનો સાત દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આગામી દિવસો જૌહરી માટે પણ કાયદાકીય ગુંચવાળા રહી શકે છે.

(7:38 pm IST)