Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિશ્વકપમાં ભારતીય ટીમ ફાઇનલમાં ન પહોંચી પરંતુ રેન્કીંગમાં વિરાટ કોહલી, બુમરાહ, રોહિત શર્માનો દબદબો

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે આઈસીસી વિશ્વ કપ જીત્યાના 24 કલાકની અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વનડે રેન્કિંગની જાહેરાત કરી દીધી છે. રેન્કિગંમાં વિશ્વકપમાં ટીમો અને તેના ખેલાડીઓના પ્રદર્શનમાં કેટલાક ફેરફારો થયા છે. તો ટીમ રેન્કિંગમાં વિશ્વ કપ જીતનારી ઈંગ્લેન્ડેની ટીમે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ પ્લેયરોના રેન્કિંગમાં સેમિફાઇનલમાં બહાર થનારી ટીમ ભારતનો દબદબો છે.

બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટોપ પોઝિશન જાળવી રાખી છે. તો બોલિંગમાં જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીને ફાયદો થયો છે. બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો ટોપ પર વિરાટ કોહલી પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે. તો બીજા સ્થાન પર વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા છે.

ત્યારબાદ પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન પર, ચોથા સ્થાન પર આફ્રિકન કેપ્ટન ડુ પ્લેસિસ છે, જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર પાંચમાં સ્થાન પર છે. તો કેન વિલિયમસન છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. વોર્નરે વિશ્વ કપમાં 647 રન ફટકાર્યા હતા. વોર્નરે એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે.

બોલિંગમાં બુમરાહ ટોપ પર

બોલિંગમાં જસપ્રીત બુમરાહે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તેણે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા 18 વિકેટ પોતાના નામે કરી હતી. બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. તેણે કીવી ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજા સ્થાન પર આફ્રિકાનો કગિસો રબાડા છે. ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પહોંચી ગયો છે. ઇમરાન તાહિરને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને તે પાંચમાં સ્થાન પર છે. છઠ્ઠા સ્થાન પર અફઘાનિસ્તાનો મુઝીબ ઉર રહમાન છે. ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ સાતમાં સ્થાને પહોંચી ગયો છે.

ઓલરાઉન્ડમાં બેન સ્ટોક્સે લગાવી છલાંગ

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને વિશ્વ કપ ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ પર પહોંચ્યો છે. તેને બાંગ્લાદેશના શાકિબ અલ હસન બાદ બીજું સ્થાન મળ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે. ચોથા સ્થાન પર પાકિસ્તાનનો ઇમાદ વસીમ અને પાંચમાં સ્થાન પર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન છે.

(5:07 pm IST)