Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

શ્રીલંકામાં આયોજીત

એશિયન એથ્લેટિકસમાં ભુજના નિર્મલા મહેશ્વરીને રજત ચંદ્રકો

ભુજ તા.૧૬ : દેશને આંતરરાષ્ટ્રિય સ્તરે ગૌરવ અપાવતી સિદ્ધી ભુજની મહિલા ખેલાડીએ મેળવીને ગુજરાત અને કચ્છનું નામ રોશન કર્યું છે. શ્રીલંકામાં અત્યારે ૧૩ જુલાઈ થી ૧૭ જુલાઈ દરમ્યાન ખેલાઈ રહેલી ૬ ઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટીકસ સ્પર્ધામાં મૂળ ભુજની મહિલા ખેલાડીએ બે અલગ અલગ રમત સ્પર્ધામાં પોતાનું કૌવત દર્શાવીને આ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. એશિયાના અલગ અલગ દેશોના ખેલાડીઓ વચ્ચે ખેલાયેલી ગોળા ફેંક તેમ જ બરછી ફેંક ની રમત સ્પર્ધામાં કચ્છની મહિલા ખેલાડી નિર્મલા મહેશ્વરીએ રજત ચંદ્રકો જીત્યા હતા. એશિયન ઓલિમ્પિક માં બે અલગ અલગ સ્પર્ધાઓમાં એક સાથે બે રજત ચંદ્રકો જીતનાર નિર્મલા કચ્છના સૌ પ્રથમ મહિલા ખેલાડી છે. મૂળ ભુજના નિર્મલા મહેશ્વરીનો પરિવાર નૂતન સોસાયટીમાં રહે છે. ભુજમાં જ પોતાનો અભ્યાસ કરનાર નિર્મલા રમતગમતની સ્પર્ધાઓમાં શહેર, તાલુકા,જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ સહિત અલગ અલગ ૧૦૦ જેટલા ચંદ્રકો મેળવી ચુકી છે. જૂડો કોચ તરીકે સરકાર દ્વારા પ્રમાણિતતા ધરાવતા નિર્મલા મહેશ્વરી કચ્છ જિલ્લા જૂડો એસોસીએશનના પ્રમુખ પણ છે. પત્રકારત્વ ક્ષેત્રે ઝી ટીવી અને દૂરદર્શન સાથે રિપોર્ટર તરીકે કામ કરી ચૂકેલા નિર્મલા મહેશ્વરી પત્રકારત્વ, લો અને સ્પોર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી ધરાવે છે. નિર્મલા મહેશ્વરીના પિતા ધરમશીભાઈ મહેશ્વરી કચ્છના વરિષ્ઠ અને અભ્યાસુ પત્રકાર છે.

(3:17 pm IST)