Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હાર્ડ લક... સાઈનાની બરોબરી ન કરી શકી સિંધુ, થાઈલેન્ડ ઓપનની ફાઈનલમાં હારી

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ થાઈલેન્ડ ઓપન વર્લ્ડ ટૂર સુપર ૫૦૦ ટુર્નામેન્ટની મહિલા સીંગલ્સની ફાઈનલમાં જપાનની નોઝોમી ઓકુહારા સામે હારીને સાઈના નેહવાલની બરોબરી કરવાનો મોકો ચૂકી ગઈ હતી. સાઈના ૨૦૧૨માં આ ટુર્નામેન્ટ જીતી હતી. નોઝોમીએ સિંધુને સીધા સેટોમાં ૨૧-૧૫, ૨૧-૧૮થી હરાવી હતી.

નોઝોમીની સિંધુ સામે ૧૧માંથી છઠ્ઠી જીત હતી, જયારે સિંધુને નોઝોમી સામે પાંચ વિજય મળ્યા છે. પહેલી ગેમમાં સિંધુએ ખાતુ ખોલાવ્યા બાદ નોઝોમીએ અંક મેળવીને સ્કોર બરોબર કરી લીધો હતો. ત્યારબાદ નોઝોમીના ૬-૨ના સ્કોરને તેણે લેવલ કરવાની કોશિષ કરી, પણ જેપનીઝ પ્લેયરે તેને સફળ થવા ન દીધી અને અંતે ગેમ ૨૧-૧૫થી હારી ગઈ. બીજી ગેમમાં બંને પ્લેયર ૯-૯ની બરોબરી પર હતા, ત્યારબાદ બંનેના સ્કોર વધ-ઘટ થતાં રહ્યા. ૧૮-૧૮ની ફરી વખત બરોબરી થયા બાદ સિંધુ થોડી નબળી પડતા નોઝોમીએ એનો ફાયદો ઉઠાવીને ત્રણ અંક મેળવીને પહેલી વખત થાઈલેન્ડ ઓપન ટાઈટલ મેળવી લીધુ હતું. જયારે પુરૂષોની ફાઈનલમાં વર્લ્ડ નંબર ૩૩ જાપાનનો કાન્ટા સુનામાયાએ ૫૮ મિનિટમાં ઈન્ડોનેશિયાના વર્લ્ડ નંબર ૧૫ ટોમી સુગીયાર્ટોને ૨૧-૧૬, ૨૧-૯થી હરાવીને કરીઅરમાં પહેલી વખત થાઈલેન્ડ ઓપન ટાઈટલ જીત્યુ હતું.(૩૭.૧)

(3:41 pm IST)