Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વિદેશી ધરતી ઉપર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ચઢીયાતો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત આઠમાંથી ચાર ટેસ્ટ જીત્યુ, ત્રણ હાર્યુ, એક ડ્રો

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તા.૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો પ્રારંભ થવા જઈ રહ્યો  છે, ત્યારે ક્રિકેટ જગતમાં કોણ વિજેતા બનશે તેની ચર્ચા ચાલી રહી છે.  ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવાના વધુ મજબુત દાવેદાર તરીકે ઉભરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો દેખાવ વિદેશની ભૂમિ પર ન્યૂઝિલેન્ડ કરતાં ચડિયાતો રહ્યો છે.

કોહલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ છ શ્રેણી રમી હતી અને તેમાંથી પાંચમાં તેનો વિજય થયો હતો. વિદેશની ભૂમિ પર ભારત કુલ ત્રણ શ્રેણી રમ્યું હતુ અને તેમાંથી બે માં વિજેતા બન્યું હતુ. જ્યારે એક તેને ગુમાવવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ન્યૂઝિલેન્ડની ટીમ વિદેશની ભૂમિ પર એક પણ શ્રેણી જીત્યા વિના જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓ પાંચમાંથી બે જ શ્રેણી વિદેશમાં રમ્યા છે, જેમાંથી શ્રીલંકાની ભૂમિ પરની તેમની શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમને ૦-૩થી વ્હાઈટવોશની નાલેશીનો સામનો કરવો પડયો હતો.ચેમ્પિયનશિપ અંતર્ગત ભારતે વિન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડનો પ્રવાસ ખેડયો હતો, જેમાંથી ભારતે વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી. જ્યારે ન્યૂઝિલેન્ડમાં ભારતે ૦-૨થી વ્હાઈટવોશનો સામનો કરવો પડયો હતો. ટૂંકમાં ભારત વિદેશની ભૂમિ પર આઠમાંથી ચાર ટેસ્ટ જીત્યું અને ત્રણ હાર્યું હતુ. જ્યારે એક ટેસ્ટ ડ્રો થઈ હતી. બીજી તરફ ન્યૂઝિલેન્ડની ટીમ વિદેશમાં પાંચ ટેસ્ટ રમ્યું અને તેમાંથી ચારમા તેનો પરાજય થયો હતો અને તેઓ એકમાત્ર ટેસ્ટ જીતી શકયા હતા.

(3:24 pm IST)